અમદાવાદ એરપોર્ટ કાલથી રાબેતા મુજબ ધમધમતું થશે

અમદાવાદ: અમદાવાદ એરપોર્ટ આવતી કાલથી રાબેતા મુજબ ધમધમતું થઇ જશે. એરપોર્ટના રન-વેનું સમારકામ દોઢ મહિના સુધી ચાલ્યું હોવાના કારણે દિવસ દરમિયાન ફલાઇટની આવનજાવન બંધ રખાઇ હતી. હવે સમારકામ અને રિનોવેશનની કામગીરી પૂરી થઇ જતાં આવતી કાલથી અમદાવાદ એરપોર્ટ દિવસભર ફલાઇટની આવનજાવનથી ધમધમતું થઇ જશે.

૧ માર્ચથી એરપોર્ટના રિનોવેશનનું કામ શરૂ થવા ઉપરાંત રન-વેનું સમારકામ ચાલુ કરાયું હોવાના કારણે દિવસે એરપોર્ટ પર વિમાનો ટેકઓફ કે લેન્ડ થઇ શકતાં ન હતાં. ડોમેસ્ટિક એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગમાં પણ ઘણા સુધારાવધારા કરાયા છે.

ફલાઇટની આવનજાવન વધી હોવાના કારણે મુસાફરોની સંખ્યા પણ વધી હતી, જેથી મુસાફરોને બેસવા માટે પૂરતી જગ્યા એરપોર્ટ સંકુલમાં નહોતી. હવેે સી‌િટંગ એરિયા વધારીને સીટની સંખ્યા વધારી દેવામાં આવી છે. સાથે-સાથે સિક્યોરિટી માટે અલાયદી વ્યવસ્થા કરાઇ છે.

નવી સુવિધાઓથી સજજ ટર્મિનલ બિલ્ડિંગની સ્વચ્છતા ઉપર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. અમદાવાદ એરપોર્ટ દેશનાં સૌથી વ્યસ્ત એરપોર્ટમાંનું એક છે. દોઢ વર્ષ પહેલાં જ કરોડોના ખર્ચે એરપોર્ટના રન-વેના રિસરફેસની કામગીરી કરાઇ હતી, પરંતુ ચોમાસું આવતાં જ અમદાવાદ શહેરના જાહેર રસ્તાઓ પર ગાબડાં પડે તે પ્રમાણે રિસરફેસિંગમાં ગાબડાં પડતાં કામગીરીની પોલ ખુલ્લી પડી ગઇ હતી.

રન-વે પર ગાબડાં પડ્યાં હોવાથી ચોમાસામાં પાંચ વાર રન-વે બંધ કરાયો હતો એટલું જ નહીં, અમદાવાદની ફલાઇટને બીજા એરપોર્ટ પર ડાઇવર્ટ કરવી પડી હતી. આ પરિસ્થિતિના કારણે ફરી એક વાર ટૂંકાગાળામાં એરપોર્ટના રન-વેનું સમારકામ કરવું પડ્યું હતું, જેના કારણે સવારના ૧૦-૦૦થી સાંજના ૭-૦૦ દરમિયાન ફલાઇટ લેન્ડ થઇ શકતી નહોતી. દિવસે ફલાઇટ ન હોવાથી મુસાફરો પણ હેરાન થતા હતા.

હવે ટર્મિનલ બિલ્ડિંગમાં એરલાઇન્સનાં કાઉન્ટર પણ વધારવામાં આવ્યાં છે, જેથી મુસાફરોને બોર્ડિંગ માટે કાઉન્ટર પર લાંબી લાઇનમાં ઊભાં રહેવામાંથી મુક્તિ મળશે.

You might also like