અમદાવાદ અેરપોર્ટના રન-વે પર ગાબડાં ફ્લાઈટો મુંબઈ ડાઈવર્ટ કરાઈ

અમદાવાદ: વરસાદના કારણે અમદાવાદ અેરપોર્ટના રન-વે પર ફરીથી ગાબડાં પડતાં અાજે સવારે અમદાવાદ અાવી રહેલી ફ્લાઈટોને મુંબઈ ડાઈવર્ટ કરવાની અેરપોર્ટ સત્તાવાળાઅોને ફરજ પડી હતી.  લાખો રૂપિયાના ખર્ચે તાજેતરમાં જ સમારકામ કરાયેલા રન-વેએ તંત્રની નબળી કામગીરીની પોલ ખુલ્લી પાડી દીધી છે. અમદાવાદ એરપોર્ટ પર સવારે ૧૭થી ર૦ જેટલી ફલાઇટો જુદા જુદા સ્થળેથી આવે છે અને જાય છે.

આજે સવારે શરૂઆત એર ઇન્ડિયા-૧૭ ફ્લાઇટથી થઇ હતી. મુંબઇથી ૬-૪૦એ ઉપડેલી આ ફલાઇટ સમયસર આવી પહોંચી હતી, પરંતુ અમદાવાદ એરપોર્ટ રન-વે પર ખાડા પડી જવાના કારણે ઉતરાણ નહીં કરી શકવાને કારણે મુંબઇ પરત ફરી હતી. અમદાવાદ એરપોર્ટનો તાજેતરમાં જ કરોડોના ખર્ચે સમારકામ કરાયેલો રન-વે ધોવાઇ જતાં ૮થી વધુ ફ્લાઇટ એક કલાકથી વધુ સમય માટે મોડી પડી છે. રન-વેના કામકાજ પર અનેક સવાલ ઊભા થયા છે. એરપોર્ટ તંત્ર સમારકામમાં લાગ્યું છે, પરંતુ પ્રવાસીઓ અટવાઇ રહ્યા છે.

રન-વે પર પેચવર્કનું કામ ચાલુ હોવાને કારણે તંત્રને અન્ય એક વિકલ્પમાં બીજા રન-વે પર ફલાઇટ લેન્ડ કરાવવાની ફરજ પડી હતી. જેના કારણે મોટા ભાગની ફલાઇટ દોઢથી બે કલાક મોડી પડી હતી. ૧૭૯૪ અને ૦૬૩પ એરક્રાફટને મુંબઇ ડાઈવર્ટ કરાયા હતા. ત્યાર બાદ દિલ્હી અને મુંબઇથી અમદાવાદ આવી રહેલી ગો એર, સ્પાઇસ જેટ, જેટ એરવેઝ, ઇત્તિહાદ, ઇન્ડિગો, એર ઇન્ડિયા, જેટ લાઇટ, કેન્યા એરવેઝ, એનએ-૬૪રર ફલાઇટ મોડી આવી હતી.

આ અંગે એરપોર્ટ ડાયરેકટર મનોજ ગંગલે જણાવ્યું હતું કે રન-વે પર પેચવર્કનું કામ ચાલુ હોવાના કારણે બે ફલાઇટ ડાઈવર્ટ કરાઇ હતી અને અન્ય ફલાઇટ માટે બીજા રન-વેનો ઉપયોગ કરાયો હતો, પરંતુ આ કારણે કેટલીક ફલાઇટ મોડી પડી હતી. વહેલી સવારે મુંબઈ ડાઈવર્ટ કરાયેલી બે ફ્લાઈટ સવારે ૧૧ વાગે અમદાવાદ પરત અાવી હતી. તમામ ફલાઇટો માટે કામચલાઉ રન-વે પ/ર૩નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એરપોર્ટ ઓથોરિટી પ્રવાસીઓને વિઝિબિલિટી નહીં હોવાનું આશ્વાસન આપી રહી હતી, પરંતુ રન-વે પર ટુંકા ગાળામાં જ ફરી ગાબડાં પડી જવાને કારણે મુસાફરોની હેરાનગતિ વધી હતી.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એએઆઇ) દ્વારા એરપોર્ટના સમારકામ બાબતે ઇન્કવાયરી કરવાનું કહેવામાં આવ્યું છે. એએઆઇના ચેરમેન ગુરુપ્રસાદ મહાપાત્રાએ જણાવ્યું હતું કે એએઆઇ દ્વારા આ ઘટના પર તપાસ કરવાનું શરૂ કરાયું છે. મહાપાત્રા અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશનરપદે રહી ચૂકયા છે. વધુમાં તેમણે કહ્યું હતું કે રન-વે પર ભરાતા પાણી અને ડ્રેનેજ સિસ્ટમ બાબતે તેમજ કન્સ્ટ્રકશનની કામગીરી બાબતે પણ તપાસ કરવામાં આવશે.

અત્યારે ભારે વરસાદ નહીં હોવા છતાં રન-વે પર ભરાયેલા પાણી માટે ડ્રેનેજ સિસ્ટમની કરવામાં આવેલી વ્યવસ્થાની પણ તપાસ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે માત્ર છ માસ પહેલાં પણ રન-વે પર ગાબડાં પડી ગયા હતા ત્યારે રૂ.ર૭ કરોડના ખર્ચે અમદાવાદ એરપોર્ટનો રન-વે રિસરફેસ કરાયો હતો. હલકી ગુણવત્તાવાળી કામગીરી બાબતે અનેક પ્રશ્નો ઉઠયા છે.

મુંબઇથી અમદાવાદ આવતી જેટ એરવેઝ-૩૧પ, મુંબઇ-અમદાવાદ ઇતિહાદ-૮૮૪૯, મુંબઇ-અમદાવાદ-કેન્યા એરવેઝ, મુંબઇ-અમદાવાદ એનએ-૬૪રર તેના નિયત સમય કરતાં ૧ કલાકથી વધુ મોડી આવી હતી.
http://sambhaavnews.com/

You might also like