શહેરમાં અાવતીકાલથી બે દિવસ દિલધડક અેર શોનું અાયોજન

અમદાવાદ: અમદાવાદ શહેરમાં સતત બીજા વર્ષે યુ.કે.ની ગ્લોબલ સ્ટાર ટીમ દ્વારા એર શોનું અાયોજન કરવામાં અાવ્યું છે. લોકોમાં એવિયેશન ક્ષેત્રે જાગૃતિ લાવવાના ઉદ્દેશ સાથે યોજાનાર એર શોનું ઉદ્ઘાટન અાવતીકાલે તા. 29 એપ્રિલના રોજ સાંજે સવા ચાર કલાકે મુખ્યપ્રધાન અાનંદીબહેન પટેલના હસ્તે કરવામાં અાવશે.

ગાંધીબ્રિજથી નહેરુબ્રિજ વચ્ચેના રિવરફ્રન્ટ વિસ્તારમાં અા એર શોનું અાયોજન કરાયું છે. અામ તો અાવા શો ખુલ્લા મેદાનમાં કરવામાં અાવતા હોય છે, પરંતુ તે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ઉપર યોજવામાં અાવી રહ્યો છે. રિવરફ્રન્ટ ઉપર એર શો યોજવા અંગે અાયોજકોએ જણાવ્યું હતું કે નદીનો ભૌગોલિક વિસ્તાર ખૂબ જ ‌િક્લયર હોય છે અને અા વિસ્તારમાં અમારે પ્લેનને કેટલી ઊંચાઈએ અને ક્યાં ઉડાડવાનું છે તેની અમને ખબર હોય છે.

ઉદ્ઘાટન બાદ તા. 30 એપ્રિલ અને 1 મેના રોજ સવારે 10 કલાકે અને સાંજના 4 કલાકે એમ દિવસમાં બે વખત 20-20 મિનિટના એર શો યોજાશે. અા એર શોમાં ચાર એરક્રાફ્ટના પાઈલટ દ્વારા તેમના કરતબ દર્શાવવામાં અાવશે. અા એર શોમાં 330 એસસી પ્લેન, 300 એલ પ્લેન, 300 એસ 260 પ્લેન દ્વારા એર શોમાં કરતબ બતાવવામાં અાવશે.

You might also like