અમદાવાદ અકસ્માતોનું નગરઃ એક વર્ષમાં ૧૬૪૯ બનાવ

અમદાવાદ: સોલા નજીક એસજી હાઈવે પર આજે સર્જાયેલા અકસ્માતે વધુ ત્રણની જિંદગી છીનવી લીધી છે. અમદાવાદ શહેરમાં ટ્રાફિકનો પ્રશ્ન વિકટ બનવાની સાથેસાથે અકસ્માતના બનાવ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. શહેરમાં છેલ્લાં બે વર્ષમાં અકસ્માતના બનાવોમાં પાંચ ટકાનો વધારો થયો છે.

૨૦૧૫ના વર્ષમાં જ અકસ્માતના ૧૬૪૯ બનાવ બન્યા છે, જેમાં ૨૭૩થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. શહેરમાં ત્રણ મુખ્ય રૂટ એક્સિડન્ટ ઝોન એટલે કે અકસ્માત સર્જવા માટે સૌથી વધુ જોખમી છે. આ રૂટ પર કુલ અકસ્માતના ૬૦ ટકા કેસ બન્યા છે. આ રૂટમાં નરોડા-સોનીની ચાલ-નારોલ સર્કલ, એસજી હાઈવે- વૈષ્ણોદેવી સર્કલ તથા નારોલ-વિશાલા સુધીના રૂટનો સમાવેશ થાય છે. શહેરમાં ૨૦૧૫ના વર્ષમાં બનેલા ૧૬૪૯ અકસ્માતના બનાવમાં ૩૧૫ ગંભીર કહી શકાય તેવા અને ૧૦૬૩ સામાન્ય પ્રકારના હતા.

શહેરમાં આવતાં-જતાં વાહનો, બેફામ સ્પીડે દોડાવાતાં વાહનો, ટ્રાફિકના નિયમોનો ભંગ જવાબદાર છે. ગંભીર અકસ્માતોના બનાવો રાત્રે વધુ બને છે. ટ્રાફિક પોલીસના એક સર્વે મુજબ શહેરમાં જ્યાં વધુ અકસ્માતો સર્જાય છે તેવા રૂટમાં દિલ્હી દરવાજા, શાહીબાગ, ડ્રાઇવ-ઇન રોડ, નહેરુનગર, ચંદ્રનગર તથા આશ્રમરોડનો સમાવેશ થાય છે.

You might also like