મ્યુનિ. ઢોરવાડામાં એક વર્ષમાં ૧૨૮૮ મોતઃ જવાબદાર કોણ, તંત્ર કે પશુપાલકો?

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રસ્તા પર રખડતાં ગાય સહિતનાં ઢોર ભારે સંવેદનશીલ મુદ્દો બન્યો છે. એક તરફ રસ્તા પર ઠેરઠેર અડીંગો જમાવીને બેસનાર રખડતી ગાય સહિતનાં ઢોર વાહનચાલકો માટે મુશ્કેલી સર્જી રહ્યા છે. વૃદ્ધો, મહિલાઓ સહિતનાં રાહદારીઓને ગમે ત્યારે અડફેટે ચઢાવીને આફતમાં મૂકે છે તો બીજી તરફ હાઇકોર્ટની લાલ આંખથી તંત્રે રખડતાં ઢોરને પકડવાની ઝુંબેશને વધુ સઘન કરવાથી મને કમને ફરજ પડી રહી છે.

તમામ રખડતાં ઢોરને પકડીને બહેરામપુરાના ઢોરવાડામાં પૂરવામાં આવે છે. જો કે આ ઢોરવાડામાં પુરાયેલા ઢોરમાં ગાય, વાછરડાં સહિતનાં પશુનાં મોતનું પ્રમાણ ભારે ચોંકાવનારું છે, જેનાં કારણે ઢોરવાડામાં પશુઓનાં મોત માટે જવાબદાર કોણ, તંત્ર કે માલધારીઓ તેવો ભારે વિવાદ ઊભો થયો છે.

શહેરમાં બિસમાર રસ્તા ટ્રાફિકની સમસ્યા અને રખડતાં ઢોરના મામલે હાઇકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીનાં ચુકાદામાં ગત ઓગસ્ટ મહિનામાં એમ.આર. શાહની ખંડપીઠે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ખાસ કરીને રખડતાં ઢોરનો ત્રાસ દૂર કરવા જવાબદાર માલધારીઓ સામે શિક્ષાત્મક પગલાં ભરવાની તાકીદ કરી છે.

કેટલાંક માલધારીઓને કાયદાની બીક હોઇ ઢોર પકડવાની પાર્ટી પર તેઓ હુમલા કરતા હોઇ હાઇકોર્ટે તેવા લોકો સામે કડક કાર્યવાહી કરવાનો તંત્રને આદેશ આપ્યો છે. બીજી તરફ તંત્ર દ્વારા દરરોજ ૬૦ ઢોરનાં બદલે ૧૦૦ ઢોર પકડાઇ રહ્યાં છે. આ ઉપરાંત પકડાતાં ઢોર માટે વસૂલાતા દંડ અને વહીવટીચાર્જમાં ત્રણ ગણો વધારો કરાયો છે. ઢોરનું ટેગિંગ કરાઇ રહ્યું છે તેમ છતાં આજે પણ ગાય સહિતના ઢોરનો રોડ પરનો અડિંગો ‘જૈસે થે’ તો ઢોરવાડામાં મૃત્યુ પામતાં ઢોરનો પણ વિવાદ ઊઠ્યો છે.

તંત્ર દ્વારા પકડાતાં ઢોરને બહેરામપુરા ખાતેના ઢોરવાડામાં પૂરવામાં આવે છે. આ ઢોરવાડામાં ગાય, વાછરડાં સહિતનાં ઢોરનાં મૃત્યુનું પ્રમાણ ચિંતાજનક રીતે વધતું જાય છે. ફક્ત ગત નાણાકીય વર્ષ ર૦૧૭-૧૮નાં તંત્રનાં સત્તાવાર આંકડાને તપાસીએ તો સત્તાવાળાઓ દ્વારા કુલ ૧૪૬૯૯ ઢોર પકડાયાં હતાં, જે પૈકી ૩૪પ૯ ઢોરને રૂ.૯૭.૪૮ લાખનો દંડ વસૂલીને છોડાયા હતા અને ૭૧૪૯ ઢોરને મુંબઇની પાંજરાપોળમાં મોકલાયા હતા. જ્યારે કુલ ૧ર૮૮ ઢોર હતા. થોડા જ સમયગાળામાં ઢોરવાડામાં જ મરણને શરણ થયાં હતાં.

બહેરામપુરાનાં ઢોરવાડાને ‘કરુણામંદિર’ એવું સોહામણું નામ અપાયું છે પરંતુ આ ઢોરવાડો ત્યાં પુરાતાં ઢોર માટે સંકટરૂપ બન્યો છે. ઢોર માટેના કુલ ત્રણ શેડ પૈકી એક શેડ પૂરેપૂરો ખવાઇ ગયો છે. આ શેડને આખો નવો કરવો જરૂરી બન્યો છે. ચોમાસામાં ખવાયેલા શેડ નીચે બંધાયેલા ઢોરની હાલત ખૂબ દયનીય બને છે, કેમ કે વરસાદની સીધી ધાર ઢોર પર પડે છે. ઢોરવાડાનું ફ્લોરીંગ પણ તદ્દન ઊબડખાબડ હાલતમાં છે.

સાદું માટીનાં લીંપણથી કરાયેલું ફ્લોરીંગ વરસાદી મોસમમાં કાદવ-કીચડમાં ફેરવાઇને ઢોરને માંદગીનાં હવાલે કરે છે. ઢોરને લાવવા લઇ જવાના રેમ્પ તૂટેલીફુટેલી હાલતમાં છે. આવા રેમ્પ પણ ઢોરનાં પગ મચકોડાવીને તેને ઘાયલ કરે છે. પીવાનાં પાણી માટેનો એકમાત્ર હવાડો પણ રીપેરીંગ માગી લે તેવો જર્જરિત હાલતમાં મુકાયો છે. આમ ઢોરવાડાની ‘અંદરની હાલત’ પુરાયેલા ઢોર માટે પહેલી નજર ‘કરુણા’ ઉપજાવે તેવી છે. આને કારણે પણ ઢોરનાં મૃત્યુ અને માંદગીનું પ્રમાણ ચોંકાવનારું બન્યું હોવાની ચર્ચા છે.

આની સાથે સાથે માલધારીઓ સામે પણ ગંભીર પ્રકારના આક્ષેપ ઊઠ્યાં છે. માલધારીઓ પોતાના ઢોરને રસ્તા પર રઝળતા મૂકી દેતા હોઇ તે પેટની ભૂખ સંતોષવા પ્લાસ્ટીક, એંઠવાડ સહિતનો ગાર્બેજ ખાવા વિવશ બનીને માંદી પડે છે અને તંત્ર દ્વારા માંદી હાલતમાં પકડાયેલી હોઇ ઢોરવાડામાં તેનું મૃત્યુ થાય છે. તેમાં પણ ખાસ કરીને હિંદુમા પુજ્ય ગણાતી ગાયોના મૃત્યુનું પ્રમાણ સવિશેષ હોય આ બાબત ગંભીર છે.

જન્માષ્ટમીએ ઢોરવાડામાંથી ઢોરને છોડાવવા ધમાલ મચાવનારા માલધારીઓ ઢોરને કુપોષિત રાખતા હોવાનો પણ આક્ષેપ ઊઠ્યો છે. મ્યુનિસિપલ ઢોર ત્રાસ અંકુશ વિભાગના ઇન્ચાર્જ વડા ડો.પ્રતાપસિંહ રાઠોડ વધુમાં કહે છે તંત્ર પચાસ ટકા જેટલી માંદી ગાય પકડે છે તો તેનું મુખ્ય કારણ માલધારીઓ દ્વારા ઢોરને પૂરતું પોષણ અપાતું નથી તે છે.

ઢોરવાડાનાં બંધિયાર વાતાવરણમાં વાછરડા જલદી મૃત્યુ પામે છે. ગાય સાથે અનેક વાર વાછરડાને પણ પકડીને ઢોરવાડે લઇ જવાય છે, પરંતુ નાચતા-કૂદતા ચંચળ સ્વભાવના વાછરડા ઢોરવાડાના બદલાયેલા બંધિયાર વાતાવરણ સાથે અનુકૂળ થતા નથી. પરિણામે માતાની હાજરી હોવા છતાં વાછરડા માંદા પડીને અકાળ મૃત્યુનો ભોગ બને છે તેમ પણ ડો. રાઠોડ વધુમાં કહે છે.

You might also like