અમદાવાદના ૧પ લાખથી વધુ નાગરિકો સાંજના પાણીથી વંચિત

અમદાવાદ: શહેરના ભાજપના શાસકો દ્વારા લાંબા સમયથી ચોવીસ કલાક પાણીના પ્રોજેક્ટની જાહેરાત કરાઇ રહી છે. જોધપુર વોર્ડમાં ચોવીસ કલાક પાણીનો પાઇલટ પ્રોજેક્ટ કાર્યરત થવાનો છે, જોકે એ વાત જુદી છે કે સત્તાધીશો નાગરિકોને દરરોજ સાંજે અડધો કલાક પણ નિયમિત પાણીનો પુરવઠો પૂરો પાડી શકતા નથી. એક અંદાજ પ્રમાણે શહેરના પંદર લાખથી વધુ લોકો સાંજના પાણીથી આજે પણ વંચિત છે.

નવા પશ્ચિમ ઝોન સિવાયના તમામ ઝોનમાં સવાર-સાંજ પાણી પૂરું પડાતું હોવાની કોર્પોરેશનની વાતમાં કંઇ દમ નથી તેમ જણાવતાં જમાલપુર વોર્ડના અપક્ષ કોર્પોરેટર ઇમરાન ખેડાવાલા વધુમાં કહે છે, ‘આજની સ્થિતિમાં શહેરનાં પ૭ વોટર ડિ‌િસ્ટ્રબ્યૂશન સ્ટેશન વિસ્તારમાંથી નાગરિકોને સાંજનું પાણી અપાતું નથી. મધ્ય ઝોનમાં આસ્ટોડિયા, માધુબાગ, જગન્નાથ મંદિર, લાલદરવાજા અને રાયખડ વોટર ડિ‌િસ્ટ્રબ્યૂશન સ્ટેશન એમ પાંચ વોટર ડિ‌િસ્ટ્રબ્યૂશન સ્ટેશન વિસ્તારના નાગરિકોને સાંજે પાણી અપાતું નથી.’

પશ્ચિમ ઝોનમાં સ્ટેડિયમ, ઉસ્માનપુરા, ગીતાબાગ, એલિસબ્રિજ, ગુલબાઇ ટેકરા, કેશવનગર, વાસણા, શાહવાડી અને સ્ટેડિયમ પંચશીલ એમ આઠ વોટર ડિ‌સ્ટ્રિબ્યૂશન  સ્ટેશનમાંથી પણ સાંજનો પુરવઠો અપાતો નથી. દક્ષિણ ઝોનમાં કાંકરિયા, ન્યુ સબર્બન, સપ્ત‌િર્ષ, જ્યોદાનગર, જલઘર વોટર ડિ‌સ્ટ્રિબ્યૂશન સ્ટેશનમાંથી પણ સાંજે પાણી પૂરું પડાતું નથી.
છેક ગત તા. ર૦૦૯-૧૦થી ર૦૧૬-૧૭ સુધીમાં કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકારને પાણી મેળવવા રૂ.૩૪૭.ર૦ કરોડ જેટલી માતબર રકમ ચૂકવાઇ છે. પ્રતિમહિને તંત્ર રૂ.૪.૩૭ કરોડ અને વર્ષ દરમ્યાન રૂ.પર.૩૮ કરોડ ચૂકવાયા છે.

કોર્પોરેશનના પોતાના પપર બોરમાંથી પાણી મેળવવામાં આવે છે. છેલ્લા પાંચ વર્ષમાં પચાસ જેટલા નવા બોર બનાવાયા છે. આ અંગે કોર્પોરેશનના સિટી ઇજનેર જગદીશ પટેલને પૂછતાં તેઓ કહે છે કે ક્યાંક ક્યાંક પાણીની લાઇનના નેટવર્કના અભાવે લોકોને સાંજે પાણી પૂરું પડાતું નથી, જ્યારે વોટર સપ્લાય કમિટીના ચેરમેન રમેશ દેસાઇ કહે છે ‘મેં જ્યારથી ચેરમેનની જવાબદારી સંભાળી છે ત્યારથી કયારેય શહેરીજનોને સવાર-સાંજ એમ બન્ને સમય પાણી આપવાની મેં વાત કરી નથી. નાગરિકોને સવારે બે કલાક પાણી મળે તે પર્યાપ્ત છે.’

http://sambhaavnews.com/

You might also like