CM રૂપાણીના આરોપો પર અહેમદ પટેલનો જવાબ, ભાજપ સુરક્ષા મુદ્દે રાજકારણ ના રમે

ગુજરાતના સુરતમાં બે કથિત આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી. ISISના આ આતંકીઓની ધરપકડ કોંગ્રેસના નેતા અહેમદ પટેલની હૉસ્પિટલમાંથી થઈ હોવાથી ભાજપે અહેમદ પટેલ પર આરોપ મૂક્યા હતા.

રાજ્યમાં ચૂંટણી પહેલા આતંકવાદને લઈને એક નવું વાવાઝોડું આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ કરીને અહેમદ પટેલ પર આરોપ લગાવ્યો હતો કે, પકડાયેલા આતંકીમાંથી એક આતંકી તે હોસ્પિટલમાં કામ કરતો હતો, જે હોસ્પિટલ અહેમદ પટેલની છે.

ભાજપે તો કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પાસે અહેમદ પટેલનું રાજીનામું લેવાની પણ માગણી કરી છે. જો કે અહેમદ પટેલે પોતાના પરના આરોપોને નકારતાં કહ્યું છે કે, ભાજપ રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દે રાજનીતિ ન કરે. તેમણે ટ્વિટ કરીને કહ્યું છે કે, આતંકવાદ સામે લડતા ગુજરાતના શાંતિપ્રિય લોકોના ભાગલા ન પાડે.

કોંગ્રેસ પાર્ટીએ પણ અહેમદ પટેલ પર લાગેલા આરોપોને પાયા વગરના ગણાવ્યા છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ પલટવાર કરતાં કહ્યું હતું કે, અહેમદ પટેલે હોસ્પિટલમાંથી 2014માં જ રાજીનામું આપી દીધું હતું. એવામાં જો કોઈ આરોપી હાલમાં પકડાય તો શું તેનો આરોપ 2014ના ટ્રસ્ટ પર મૂકી શકાય?

You might also like