આ ‘રેડ રાજ’ છેઃ ભાજપ બધાંને ITથી ડરાવવા માગે છેઃ અહેમદ પટેલ

નવી દિલ્હી: ગુજરાતમાંથી રાજ્યસભાની ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના નેતા અને ઉમેદવાર અહેમદ પટેલે જ્યાં ગુજરાતના કોંગ્રેસના ધારાસભ્યોને ઉતારવામાં આવ્યા છે તે બેંગલુરુ સ્થિત ઈગલટન ગોલ્ફ રિસોર્ટ પર પાડવામાં આવેલા ઈન્કમટેક્સના દરોડા અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, ‘આ રેડ રાજ છે. આ સરકાર કોઈ પણને ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટથી ડરાવવા માગે છે. ભાજપ કોંગ્રેસની એક સીટ ઘટાડવા ઈચ્છે છે.’

ભાજપને નિશાન બનાવતાં અહેમદ પટેલે એક ટીવી ચેનલને જણાવ્યું હતું કે ભાજપનો મકસદ ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં કોંગ્રેસ કાર્યકરોના મનોબળને તોડવાનો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભાજપને એવું લાગી રહ્યું છે કે સોનિયા ગાંધીના પોલિટિકલ સેક્રેટરીને હરાવીને તેઓ સોનિયા ગાંધીને એક સેટબેક પહોંચાડવા માગે છે અને ભાજપ જનતાને આવો સંદેશો આપવા ઈચ્છે છે.

આ ઉપરાંત અહેમદ પટેલે ટ્વિટ કરીને પણ ઈન્કમટેક્સના દરોડાને લઈ ભાજપ સામે નિશાન તાક્યું હતું. તેમણે લખ્યું હતું કે રાજ્યની મશીનરી અને અન્ય તમામ એજન્સીઓનો ઉપયોગ કર્યા બાદ ઈન્કમટેક્સના આ દરોડા ભાજપની નિરાશા અને હતાશા દર્શાવે છે. રાજ્યસભાની બેઠક જીતવા ભાજપ તમામ હાથકંડા અપનાવવા તૈયાર છે.

You might also like