અમદાવાદથી લંડનની નોનસ્ટોપ ફ્લાઈટ ૧૫ જાન્યુ.થી શરૂ થશે

અમદાવાદઃ અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની નોનસ્ટોપ ડાયરેક્ટ ફ્લાઇટની ઉડાનને હજુ એક મહિનાનો વિલંબ થશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટનની મુલાકાત વખતે ૧૫ ડિસેમ્બરથી અમદાવાદ-લંડન વચ્ચે ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ કરવા જાહેરાત કરી હતી. તે મુજબ ફ્લાઈટ ૧૫ ડિસેમ્બરથી જ શરૂ થશે પરંતુ પ્રવાસીઓએ મુંબઈ ખાતે દોઢ કલાકનું રોકાણ કરવું પડશે.

એર ઇન્ડિયાનાં વરિષ્ઠ સૂત્રોએ જણાવ્યું હતું કે અમદાવાદ-લંડન ફ્લાઈટ વાયા મુંબઈ થઈને ઊપડશે, પરંતુ ૧૫ જાન્યુઆરી- ૨૦૧૬ પછી આ ફ્લાઇટ સીધી અમદાવાદ-લંડનની નોનસ્ટોપ હશે. ત્યાં સુધીમાં ફ્લાઇટ માટે પૂરતા પ્રમાણમાં ક્રૂ મેમ્બરની વ્યવસ્થા કરી લેવાશે. જોકે શરૂઆતનાના તબક્કે અમદાવાદ-લંડન વાયા મુંબઈ ફ્લાઇટમાં પ્રવાસીઓને મુંબઈ એરપોર્ટ પર ઉતારવામાં આવશે નહીં. આ સમગ્ર પ્રવાસ માટે ૯૦ મિનિટનો મુંબઈ ખાતે સ્ટોપઓવર લેવાશે.

અમદાવાદ-લંડન વચ્ચે બોઇંગ-૭૮૭-૮૦૦ એરક્રાફ્ટ ઉડશે એક સમયે અટલબિહારી વાજપેયીની સરકાર સમયે અમદાવાદથી લંડનની સીધી ફ્લાઇટ હતી, જે બંધ કરવામાં આવી હતી.
માત્ર શરૂઆતના તબક્કે ફ્લાઇટ-A-1-131 અમદાવાદથી સવારે ૪.૩૦ કલાકે ઊપડી મુંબઈ ૫.૪૫ વાગ્યે પહોંચશે. ૯૦ મિનિટના રોકાણ બાદ સવારે ૭.૦૫ વાગ્યે ઊપડી ૧૧.૩૦ કલાકે લંડનના સમય અનુસાર પહોંચશે. એ જ રીતે લંડનથી A-1-130 ફ્લાઇટ દોઢ વાગ્યે ઊપડી સાંજે ચાર કલાકે મુંબઈ પહોંચી, સાંજે ૬.૪૫ કલાકે અમદાવાદ પહોંચશે.

અમદાવાદ-લંડન વાયા દોહા, અબુધાબી, દુબઈ અને મુંબઈની કુલ પાંચ ફ્લાઇટ ઊપડે છે, પરંતુ સીધી ફ્લાઇટ હવે ટૂંક સમયમાં શરૂ થતા પ્રવાસીઓનો સમય બચી જશે. અા અંગે એર ઈન્ડિયાના અધિકારીએ જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદીની લંડન ખાતેની જાહેરાત મુજબ ફ્લાઈટ ૧૫ ડિસમ્બરથી જ શરૂ થશે, પરંતુ વાયા મુંબઈ હશે. તમામ સુવિધા પરીપૂર્ણ થયા બાદ જાન્યુઅારી ૧૫ અાસપાસ અમદાવાદ-લંડનની ફ્લાઈટ ડાયરેક્ટ ઉડાણ ભરશે.

You might also like