અમદાવાદ શહેરમાં લઘુતમ તાપમાન ફરી ઘટી ૧૪ થયું

અમદાવાદ: અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ ભાગોમાં આજે પણ લોકોને સતત ગરમીનો અનુભવ થયો હતો. તીવ્ર ઠંડીના મહિના તરીકે ડિસેમ્બરને ગણવામાં આવે છે પરંતુ આજે પણ નવા વર્ષના દિવસે તાપમાનમાં સતત ફેરફારની સ્થિતી યથાવત રહી હતી. લઘુત્તમ તાપમાન આજે અમદાવાદમાં ગઇકાલના ૧૫ ડિગ્રીની સામે ઘટીને ૧૪ થઇ ગયુ હતુ.

આજે વહેલી સવારમાં ચોક્કસપણે ઠંડા પવનો ફુંકાઈ રહ્યા હતા પરંતુ બપોરના ગાળામાં આજે પણ લોકોએ ગરમીનો અનુભવ કર્યો હતો કે, અને ઘણી જગ્યાઓએ પંખા અને એસી ચલાવવામાં આવ્યા હતા. નલિયામાં લુઘત્તમ તાપમાન ઉલ્લેખનીયરીતે વધીને ૧૨.૯ ડિગ્રી થયું હતું જે ગઇકાલે ૧૨.૩ ડિગ્રી નોંધાયું હતું.

આજે રાજ્યમાં જે વિસ્તારમાં લઘુત્તમ તાપમાન ઓછું રહ્યું હતું તેમાં વડોદરા, મહુઆ અને નલિયાનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના અમદાવાદ સહિતના કેટલાક ભાગોમાં ડિસેમ્બરના ઠંડીના મહિના દરમિયાન જ એકાએક ઊંચા તાપમાનથી ગરમીનો અનુભવ થયો છે.

અમદાવાદમાં ડિસેમ્બર મહિના દરમિયાન છેલ્લા ૧૦ વર્ષના રેકોર્ડ ઉપર નજર કરવામાં આવે તો ઉંચા તાપમાનની સ્થિતિથી ભારે આશ્ચર્ય થઇ જાય છે.હાલમાં અમદાવાદ શહેરમાં છેલ્લા ૧૦ વર્ષમાં ડિસેમ્બરનું સૌથી ગરમ દિવસ નોંધાયો હતો. મહત્તમ તાપમાન આજે અમદાવાદમાં ૩૨ ડિગ્રી રહ્યુ હતુ. તાપમાનમાં સતત ઉતારચઢાવના કારણે લોકો પણ પરેશાન થયેલા છે. ડિસેમ્બર મહિનામાં પણ ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે જે ભારે આશ્ચર્ય જગાવે છે.

લઘુત્તમ તાપમાન અથવા તો કોલ્ડવેવ માટેની કોઇ ચેતવણી જારી કરવામાં આવી નથી. હાલમાં સ્થિતીમાં કોઇ સુધારો થાય તેવી શક્યતા ઓછી દેખાઇ રહી છે. જો કે જાન્યુઆરી મહિનામાં વચ્ચેના ગાળામાં ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. બાળકો અને મોટી વયના લોકોને હાલ ગરમ વસ્ત્રો પહેરવાની સલાહ નિષ્ણાંત તબીબો આપી રહ્યા છે. કારણ કે આવી સિઝનમાં બિમાર થવાનો ખતરો વધારે રહે છે.

આજે રાજ્યમાં પાટનગર ગાંધીનગર ખાતે સૌથી ઓછુ લઘુતમ તાપમાન રહ્યુ હતુ. કારણ કે અહીં તાપમાન ૧૧.૫ ડિગ્રી રહ્યુ હતુ. ગાંધીનગરમાં લોકોએ સવારમાં ઠંડીનો અનુભવ કર્યો હતો. એકબાજુ ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી પડી રહી છે ત્યારે ગુજરાતમાં લોકો એકાએક ગરમીનો અનુભવ કરી રહ્યા છે.

You might also like