ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટરઃ લાંચ આપવા બદલ કંપનીના પ્રમુખને સજા

નવી દિલ્હી: ભારતમાં વિવાદિત ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર સોદા માટે લાંચ આપવાના કેસમાં ઈટાલીની અદાલતે ઓગસ્ટા વેસ્ટલેન્ડ ચોપર કંપનીના પ્રમુખ ઉર્સી અને હેલિકોપ્ટર બનાવતી કંપની ફિનમેક્કનિકાને લાંચ આપવા માટે દોષિત ઠરાવ્યા છે અને કંપનીના પ્રમુખ ઉર્સીને સાડા ચાર વર્ષની સજા ફટકારી છે.

ઓગસ્ટા કંપનીએ ભારતમાં રૂ. ૩૬૦૦ કરોડમાં ૧૨ વીવીઆઈપી હેલિકોપ્ટરનો સોદો કર્યો હતો. આ સોદાના એજન્ટો પાસેથી જપ્ત કરાયેલા હસ્તલેખિત દસ્તાવેજોને પુરાવો માનીને ઓગસ્ટા કંપનીને ૧૨ હેલિકોપ્ટર વેચવા માટે ભારતમાં ૧૨૫ કરોડની લાંચ આપી હતી. કોર્ટના નિર્ણયથી એ સ્પષ્ટ થયું નથી કે લાંચ કોને આપવામાં આવી છે, પરંતુ ચુકાદો આપતા જજે ચાર જગ્યા પર સોનિયા ગાંધીનું નામ લખ્યું છે. મનમોહનસિંહ અને યુપીએ સરકારના તત્કાલિન રાષ્ટ્રીય સલાહકાર એમ. કે. નારાયણના નામનો પણ ઉલ્લેખ કરાયો છે.

ભાજપના સાંસદ કિરીટ સોમૈયાએ એવો આક્ષેપ કર્યો છે કે ઓગસ્ટા સોદામાં લાંચની રકમ કોંગ્રેસ નેતાઓના ખાતામાં જમા થઈ હતી અને ઈડીએ તેની તપાસ કરવી જોઈએ. ગઈ કાલે લોકસભામાં ભાજપના સાંસદ મીનાક્ષી લેખીએ પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતે ઈટાલીની કંપની ફિનમેક્કનિકા કંપની પાસેથી ૧૨ ઓગસ્ટા વેસ્ટ લેન્ડ હેલિકોપ્ટર ખરીદવા વર્ષ ૨૦૧૦માં રૂ. ૩૬૦૦ કરોડમાં સોદો કર્યો હતો, જેમાંથી ત્રણ હેલિકોપ્ટરની ડિલિવરી થઈ ચૂકી હતી અને આ માટે કંપનીને ૩૦ ટકા રકમ ચૂકવી આપવા દેવામાં આવી હતી. હવે આ સોદાને સ્થગિત કરી દેવામાં આવ્યો છે અને સંરક્ષણ મંત્રાલયે સોદાને રદ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. એવો આક્ષેપ છે કે આ સમજૂતીમાં રૂ. ૩૬૨ કરોડની લાંચ આપવામાં  આવી હતી.

You might also like