ઓગસ્ટા વેસ્ટલેન્ડ ડીલમાં એક વિદેશી મહિલાની મોટી ભૂમિકા

નવી દિલ્હી: ઇટાલીની ઓગસ્ટા વેસ્ટલેન્ડ કંપનીના હેલિકોપ્ટર ડીલના ગોટાળાની તપાસમાં એક ૩૧ વર્ષની મહિલાની રહસ્યમય ભૂમિકા સામે આવી છે. એવું માનવામાં આવી રહ્યું છે ક્રિસ્ટિન બ્રેડો સ્પલીડ નામની આ મહિલાએ પોતાના એમ્પ્લોયર અને ડીલના એજન્ટ ક્રિશ્ચિયન મિશેલને ઓગસ્ટા વેસ્ટલેન્ડ કંપનીને હેલિકોપ્ટર ડીલ અપાવવામાં મદદ કરી હતી.

એવું માનવામાં આવી રહ્યું છે કે ક્રિસ્ટિને દિલ્હીની રાજકીય લોબીઓમાં પોતાની પહોંચ વધારીને આ કામ પાર પાડયું હતું. આ કેસની તપાસ સાથે સંકળાયેલા અધિકારીઓએ જણાવ્યું છે કે વકીલ ગૌતમ ખેતાન સહિત આ કેસના આરોપીઓની પૂછપરછ કર્યા બાદ આ સમગ્ર ડીલમાં ઇટાલીની મહિલા ક્રિસ્ટિનની મહત્ત્વની ભૂમિકા હોવાનું બહાર આવ્યું છે.

સીબીઆઇ અને ઇડીના અધિકારીઓ હવે ર૦૧૦થી ર૦૧૩ વચ્ચે ક્રિસ્ટિનના ભારત પ્રવાસની મા‌હિતી એકત્ર કરી રહ્યા છે. સીબીઆઇના અેક અધિકારીના જણાવ્યા પ્રમાણે ક્રિસ્ટિન સરકારી અધિકારીઓ અને નેતાઓને મળવા માટે અવારનવાર દિલ્હી આવતી હતી અને મિશેલ વતી પ્રતિનિધિત્વ કરતી હતી. એવું જણાય છે કે આ ડીલના સંદર્ભમાં ક્રિસ્ટિને દુબઇ અને ઝૂરિચની પણ મુલાકાત લીધી હતી. સીબીઆઇ અને ઇડી ક્રિસ્ટિનના ઇમિગ્રેશન સંબ‌ંધિત તમામ રેકર્ડની તપાસ કરી રહ્યા છે.

ડેન્માર્કની નાગરિક ક્રિસ્ટિન લંડનમાં રહેતી હતી અને મિશેલની કંપનીઓમાંથી એક બિટલ નટ હોમ લિ.,માં ડાયરેકટર તરીકે તેની નિમણૂક કરવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે મિશેલે આ કંપનીનો ઉપયોગ લાંચ તરીકે મળેલી રકમને વિદેશ મોકલવા માટે કર્યો હતો.

You might also like