હેલિકોપ્ટર સોદા કેસમાં મિશેલ જેમ્સને ભારતને સોંપવા સીબીઆઈની માગણી

નવી દિલ્હી: ૩૬૦૦ કરોડના ઓગસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટર સોદાની તપાસ અંગે સીબીઆઈ બ્રિટિશ નાગરિક અને આ સોદાના એજન્ટ મિશેલ જેમ્સને ભારતને સોંપવાની માગણી કરી. ટૂંક સમયમાં જ સંયુકત આરબ અમિરાત(યુએઈ)ના અધિકારીઓનો સંપર્ક કરશે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસ એજન્સી સંયુકત આરબ અમિરાતની તપાસ એજન્સીઓ પાસે સહયોગ માગશે. જેથી આ કેસમાં નેતાઓ અને અધિકારીઓને આપવામાં આવેલી લાંચના કેસને આગળ ધપાવી શકાય. આ કેસમાં કથિત ત્રણ એજન્ટોની ભૂમિકા અંગે તપાસ ચાલી રહી છે. જેમાં મિશેલનો સમાવેશ થાય છે. મિશેલ ઉપરાંત ગુઈદો હાશ્કે અને કાર્લો ગેરોસા પણ આમાં સામેલ છે. હાલ સીબીઆઈ અને ઈડી તેની તપાસ કરી રહ્યા છે.

આ કેસમાં બંને એજન્સીઓએ તેમની સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરી છે. આ પહેલાં અદાલતે તેમની સામે બિનજામીન વોરંટ ઈશ્યૂ કરી હતી. જ્યારે ઈડીએ પણ યુએઈના અધિકારીઓને મિશેલ સામે આવી જ અપીલ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ સોદામાં મિશેલને મુખ્ય સૂત્રધાર ગણવામાં આવ્યો છે.આ વર્ષના આરંભમાં દુબઈમાં ભારતીય મીડિયાએ તેની મુલાકાત લીધી હતી. ઈડીએ મની લોન્ડરિંગ આરોપ હેઠળ જૂનમાં તેની સામે એક આરોપનામું દાખલ કરી જણાવ્યું હતું કે મિશેલે ઓગસ્ટા વેસ્ટલેન્ડથી લગભગ ૨૨૫ કરોડ રૂપિયા મેળવ્યા હતા.
visit : www.sambhaavnews.com

You might also like