ઓગસ્ટા વેસ્ટલેન્ડ કેસમાં લાંચની રકમ મોરેશિયસથી ભારત પહોંચી હતી

નવી દિલ્હી: ઓગસ્ટા વેસ્ટલેન્ડ કેસમાં અેક અંગ્રેજી અખબારની તપાસમાં વાયુસેનાના પૂર્વ પ્રમુખે કરેલી સ્પષ્ટતામાં આ કેસમાં લાંચની રકમ મોરેશિયસથી ભારતમાં પહોંચી હોવાનું જણાવ્યું છે અને તે અંગેનો ઉલ્લેખ પુરાવામાં કરવામાં આવ્યો છે. આ રકમ પહોંચાડનારા દલાલનું નામ શેખ ફકીમ મહેમૂદ છે.

આ કેસ અંગે અેક અંગ્રેજી અખબારના પત્રકાર સાથે શેખ ફકીમે વાત કરી હતી, જેમાં તેણે આ લાંચ કેસમાં આરોપી ગૌતમ ખેતાન અને વાયુસેનાના પૂર્વ અધ્યક્ષ અેેસ. પી. ત્યાગીનું નામ આપતાં આ કેસમાં ઈટાલીથી લાંચની રકમ ભારત સુધી કેવી રીતે પહોંચાડવામાં આવી તેની સ્પષ્ટતા કરી હતી.

અા ઉપરાંત આ કેસમાં પૂર્વ અેર ચીફ માર્શલ અેસ. પી. ત્યાગીઅે તપાસ અેજન્સી સમક્ષ આપેલા નિવેદનમાં પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહના પીએમઓ પૂ‍ર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એમ. કે. નારાયણન્ અને પૂ‍ર્વ સંરક્ષણ સચિવ સામે અનેક સવાલો ઊભા કર્યા છે. ત્યાગીઅે જણાવ્યું હતું કે ૨૦૦૪માં નવી સરકારના પીઅેમઓની દરમિયાનગીરી બાદ આ કેસમાં વળાંક આવ્યો હતો. તે સમયે તત્કાલીન સુરક્ષા સલાહકાર એમ. કે. નારાયણને બેઠકમાં નિયમ બદલવા જણાવ્યું હતું, જે અંગે તત્કાલીન સંરક્ષણ સચિવે તેનો અમલ કરવા આદેશ આપ્યો હતો.

ત્યાગીઅે તેમના નિવેદનમાં જણાવ્ય‌ું હતું કે ૨૦૦૪માં જ્યારે એનડીએની સરકાર હતી ત્યારે યુરોકોપ્ટર ઈસી-૨૨૫ લેવાની વાત કરવામાં આવી હતી, જે ૬૦૦૦ મીટરની ઊંચાઈઅે ઊડતું હતું. આ બાબત તત્કાલીન સંરક્ષણ સચિવે સરકારને સ્પષ્ટપણે લેખિતમાં જણાવ્યું હતું કે યુરોકોપ્ટર ખરીદવામાં જ શાણપણ છે, પરંતુ ૨૦૦૪માં અેનડીએની સરકાર બદલાઈ ગઈ અને યુપીઅે સરકાર આવી હતી ત્યારે નવી સરકારમાં ઘણું બદલાઈ ગયું હતું.

નવેમ્બર-૨૦૦૪માં વીવીઆઈપી હેલિકોપ્ટર લેવાની બાબતે બેઠક થઈ હતી, જેમાં સંરક્ષણ સચિવ અજય વિક્રમસિંહ ,પીએમઓના સંયુક્ત સચિવ મહેતા, અેસપીજીના આઈજીપી ઉપવાયુસેના અધ્યક્ષ સહિત અન્ય અધિકારી સામેલ થયા હતા.

You might also like