કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્રમાં કૃષિ મહોત્સવનો વિરોધ કરાયો

ગાંધીનગર: રાજ્યની ભાજપ સરકારની ખેડૂત વિરોધી નિતીઓને ઉજાગર કરવા અને ખેડૂતોના હિતમાં ભાજપ સરકાર જાગે તે માટે વિવિધ જિલ્લાઓમાં યોજાયેલ સરકારી કૃષિ મહોત્સવનો સ્થાનિક ખેડૂતોની સાથે રાખીને કોંગ્રેસ પક્ષ દ્વારા મોટા પાયે વિરોધ કર્યો હતો. જે અંગે ખેડૂત આગેવાન ધારાસભ્ય સર્વશ્રી રાઘવજી પટેલ, પરેશ ધાનાણી, હર્ષદ રીબડિયા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કિસાન સેલના ચેરમેન વિરજી ઠુમ્મરે સંયુક્ત રીતે જણાવ્યું હતું કે, ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિના કારણે ગુજરાતનો ખેડૂત આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યો છે. ત્યારે સરકારે આવા તાયફા-નાટકો બંધ કરીને ખેડૂતોને તેના હક અને અધિકાર આપવા જોઈએ તેવી માંગણી કરી છે.

ગામે ગામ સરકારી તિજોરીના પૈસે સરકાર ફોટો ફંકશન કરે છે, પણ ખેડૂતોના હિતમાં તેમને ખેત પેદાશોના ભાવો આપતા નથી. ગુજરાતમાં કપાસ, મગફળી સહિતના પાકો પકવતા ખેડૂતોને ખેત પેદાશોના ભાવ ન આપી ભાજપ સરકારે ભારોભાર અન્યાય કર્યો છે. બિયારણ-ખાતરના કાળાબજાર થાય છે. ખેડૂતોને મોંઘી વીજળી અપાય છે. ખેડૂત વિરોધી ભાજપ સરકાર ખેડૂતોની જમીન ખૂંચવી લેવા માંગે છે. રાજય સરકાર પાણીનો જથ્થો હોવા છતાં નાગરિકોને પીવાના પાણી આપવામાં સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે. રાજયમાં ખેતીની જમીન ઘટી રહી છે તેમ છતાં ઉત્પાદન અને આવકમાં વધારાના આભાસી ચિત્રો પ્રજા સમક્ષ ગુજરાત સરકાર મૂકે છે. જે રીતે મોંઘવારી વધે છે તે રીતે ખેડૂતોને ટેકાના ભાવ મળે છે ખરાં? ખેડૂતોની આવક વધી છે અર્થતંત્ર મજબૂત બન્યાની વાતો કરીને એક ભ્રામકતા ઊભી કરનાર ભાજપ સરકારને લોકો ઓળખી ચૂકયા છે.

You might also like