નોન એગ્રિ. કોમોડિટીમાં સેબીએ DPL ફિક્સ કરી

નવી દિલ્હી: માર્કેટ રેગ્યુલેટર સેબીએ નોન એગ્રિકલ્ચર કોમોડિટીના દૈનિક ભાવની મર્યાદા નિર્ધારિત કરી દીધી છે. સેબીના જણાવ્યા અનુસાર તેનાથી પ્રાઇસ ડિસ્કવરી અને કોમોડિટીના ભાવમાં કોઇ મોટી હેરાફેરી કે બદલાવ થઇ શકશે નહીં.

સેબીના જણાવ્યા અનુસાર નોન એગ્રિકલ્ચર કોમોડિટીની ડેઇલી પ્રાઇસ લિમિટ એટલે કે ડીપીએલ નવ ટકા રહેશે. આથી બિનકૃષિ ચીજવસ્તુઓના ભાવમાં નવ ટકાથી વધારો કે ઘટાડો થઇ શકશે નહીં અને તેથી ભાવમાં જે મોટા પાયે ઉતાર-ચડાવ આવતા હોય છે તેના પર નિયંત્રણ આવશે, તેમાં સ્ટીલ માટે છ ટકા અને ગોલ્ડ માટે નવ ટકા લિમિટ મુકરર કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગઇ સાલ સપ્ટેમ્બરમાં ફોરવર્ડ માર્કેટ કમિશનના સેબીમાં મર્જર બાદ હવે સેબી કોમોડિટી માર્કેટનું નિયમન કરી રહી છે. સ્ટીલની બાબતમાં સેબીએ સ્પષ્ટતા કરી છે કે જો ભાવમાં ચાર ટકાનો ચડાવ-ઉતાર આવશે તો ડીપીએલ તેમાં બે ટકાની વધુ છૂટછાટ આપી શકશે. ડીપીએલ આ છૂટછાટ માત્ર ૧૫ મિનિટની સમયમર્યાદામાં જ આપશે.

સેબીના જણાવ્યા અનુસાર સ્ટીલના કારોબારમાં પ્રથમ તબક્કામાં ચાર ટકાની સર્કિટ લાગુ પડશે. ત્યાર બાદ ૧૫ મિનિટ કારોબાર બંધ રહેશે અને પછી ટ્રેડિંગ ચાલુ થવા પર બે ટકાની સર્કિટ લાગુ પડશે. આ રીતે એક દિવસમાં સ્ટીલના કારોબારમાં છ ટકાની લિમિટ લાગુ પડશે. એ જ રીતે સોના માટે પ્રથમ ત્રણ ટકા અને બીજી વખત ત્રણ ટકા અને ત્રીજી વખત ત્રણ ટકા એમ કુલ નવ ટકાની સર્કિટ લાગુ પડશે.

You might also like