અગોરા મોલ બહાર કારનો કાચ તોડી ૯૦,૦૦૦ની મતા ચોરાઈ

અમદાવાદ: અમદાવાદ નજીક આવેલા અગોરા મોલમાં પત્ની સાથે ખરીદી કરવા ગયેલા ફેક્ટરી માલિકની કારનો કાચ તોડી સોનાના દાગીના અને રોકડા રૂપિયા ભરેલી બેગની ચોરીની ફરિયાદ અડાલજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ફેક્ટરી માલિક મોલની બહાર ગાડી પાર્ક કરીને ગયા ત્યારે આ બનાવ બન્યો હતો.

મળતી માહિતી મુજબ મૂળ બિહારના અને હાલ નિકોલના કે.પી. રેસિડેન્સી ખાતે રહેતા હિમાનસિંગ પ્રભુનાથસિંગ કઠવાડા ખાતે ન્યુ ભારત પ્રોજેક્ટ્સ નામની વોટર પ્લાન્ટની ફેક્ટરી ધરાવે છે. ગઈ કાલે તેઓ પત્ની સાથે સરદાર પટેલ રિંગરોડ પર આવેલા અગોરા મોલમાં ખરીદી કરવા ગયા હતા. તેઓએ પોતાની કાર મોલની બહાર પાર્ક કરી હતી. ખરીદી કરી તેઓ પરત આવ્યા ત્યારે તેમની કારની પાછળનો કાચ તૂટેલો હતો. પાછળની સીટમાં મૂકેલી બે બેગ ગાયબ હતી.

એક બેગમાં સોનાની બે ચેઈન અને બીજી બેગમાં રોકડા રૂ.૧૦,૦૦૦ હતા તેમજ અન્ય ડોક્યુમેન્ટ પણ હતા, જે જણાયા ન હતા. તસ્કરે કારનો કાચ તોડી આ બંને બેગની ચોરી કરી લીધી હતી. આ અંગે હિમાનસિંગે અડાલજ પોલીસને જાણ કરતાં પોલીસ દોડી આવી હતી. પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

http://sambhaavnews.com/

You might also like