અગસ્તા ડીલઃ એજન્ટ મિશેલે એક વર્ષમાં ભારતની નવ વખત મુલાકાત લીધી હતી

નવી દિલ્હી: અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટરકાંડમાં વચેટિયાની ભૂમિકા ભજવનાર ક્રિશ્ચિયન મિશેલના ભારતને પ્રત્યર્પણ બાદ રાજકીય પક્ષો ભલે નિવેદનબાજી કરી રહ્યા હોય, પરંતુ સીબીઆઇ અને ઇડીએ જાન્યુઆરી ર૦૧પ બાદ તેને ભારત લાવવા માટે કવાયત શરૂ કરી દીધી હતી.

ઇન્ડિયા ટુડેને કેટલાક મહત્ત્વના દસ્તાવેજો અને પુરાવા હાથ લાગ્યા છે જેના આધારે બંને એજન્સીઓ બે વર્ષની કાનૂની મહેનત બાદ મિશેલને ભારત લાવવામાં સફળતા મળી હતી. અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર ડીલના એજન્ટ મિશેલે એક વર્ષમાં નવ વખત ભારતની મુલાકાત લીધી હતી એવો પણ પર્દાફાશ થયો છે.

ભારત દ્વારા પ્રત્યર્પણ માટે હાથ ધરવામાં આવેલ કાર્યવાહીના દસ્તાવેજમાં લખ્યું છે કે અગસ્તા વેસ્ટલેન્ડે લાંચ પેટે ૭૦ મિલિયન યુરો આપ્યા હતા. જેમાંથી ૩૦ મિલિયન યુરો ક્રિશ્ચિયન મિશેલ જેમ્સ અને તેની કંપની ગ્લોબલ સર્વિસને પોસ્ટ સર્વિસ એગ્રીમેન્ટના નામે આપવામાં આવ્યા હતા. આ એગ્રીમેન્ટ પર ૦૧-૦૩ની તારીખ છે.

મિશેલના પ્રત્યાર્પણની કાર્યવાહી દરમિયાન ભારતીય એજન્સીઓએ અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર ડીલની મિટિંગને લઇને મિશેલની ભારત યાત્રાના પુરાવા દુબઇ પોલીસને આપ્યા હતા. એજન્સીઓએ મિશેલની ભારતની નવ યાત્રા અંગે પુરાવા રજૂ કર્યા બાદ દુબઇ સત્તાવાળાઓ તેના પ્રત્યર્પણ માટે તૈયાર થયા હતા. ભારતે પ્રત્યર્પણની કાર્યવાહી દરમિયાન અબુધાબી દૂતાવાસ દ્વારા સ્પષ્ટ કરી દીધું હતું કે મિશેલ એક ક્રિમિનલ અપરાધી છે. તે કોઇ રાજકીય અપરાધી નથી.

You might also like