શહેરમાં 25 ફાયર સ્ટેશનની જરૂરિયાત સામે માત્ર 16 કાર્યરત

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સૌથી વધુ ઉપેક્ષિત વિભાગ તરીકે ફાયર બ્રિગેડની ગણના થાય છે. ૬૦ લાખ નાગરિકોની આગ, ભૂકંપ જેવી હોનારતોમાં જાનમાલની જીવના જોખમે સુરક્ષા કરનાર ફાયર બ્રિગેડ વિભાગનો સ્ટાફ જ જર્જ‌િરત બિલ્ડિંગના ભયના ઓથાર નીચે જીવી રહ્યો છે. આ ઉપરાંત કૂદકે ને ભૂસકે હરણફાળ ભરતા અમદાવાદમાં પૂરતી સંખ્યામાં ફાયર સ્ટેશન નથી. શહેરમાં રપ ફાયર સ્ટેશનની જરૂરિયાત સામે ૧૬ ફાયર સ્ટેશન જ કાર્યરત છે.

મેયર બિજલબહેન પટેલ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટ દ્વારા આજે સવારે નરોડા જીઆઇડીસી વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા અપાયેલા પ,પ૦૦ ચો.મી.ના પ્લોટમાં નવા ફાયર સ્ટેશનના નિર્માણ માટે ભૂમિપૂજન કરાયું હતું.

આ નવા ફાયર સ્ટેશન માટે તંત્ર દ્વારા રૂ.૧ર.૬૦ કરોડનો અંદાજ તૈયાર કરીને તે માટે પી.દાસ ઇન્ફ્રાસ્ટ્રકચરને રૂ.૧૧.ર૦ કરોડનો કોન્ટ્રાકટ અપાયો છે. ફાયર સ્ટેશન ર૧ માસમાં બનીને તૈયાર થશે, જેમાં બે ઓફિસર કવાર્ટર્સ, ૩ર ફાયરમેન કવાર્ટર્સ અને છ ગેરેજની જોગવાઇ કરાઇ છે.

મ્યુનિસિપલ તંત્ર દ્વારા છેલ્લાં પ વર્ષમાં થલતેજ, ચાંદખેડા, અસલાલી અને પ્રહ્લાદનગર એમ નવા ફક્ત ચાર ફાયર સ્ટેશન ઊભાં કરાયાં છે. સાબરમતી, નવરંગપુરા, જમાલપુર, મણિનગર, ગોમતીપુર ફાયર સ્ટેશનના રિ-ડેવલપમેન્ટ બાદ હવે નરોડા, વિજય‌ મિલ પાસેના ફાયરસ્ટેશનના રિ-ડેવલપમેન્ટનું કામ હાથ ધરાયું છે.

You might also like