ત્રણ દિવસે બેન્કો ખૂલી અને તે પણ ‘કેશલેસ’!

અમદાવાદ: બેન્કોમાં સળંગ ત્રણ દિવસની રજા બાદ આજે બેન્કો ખૂલે તે પહેલાં વહેલી સવારથી નાણાં ઉપાડવા માટે લાંબી લાઈનો લાગી હતી. જો કે ઘણી બેન્કોમાં કેશ ન હોવાની બૂમો ઉઠતા લોકો રીતસર અકળાઈ ઉઠ્યા હતા. કેટલીક બેન્કોઅે તો બે દિવસ પછીના ટોકન પકડાવી દીધા હતા. બીજી બાજુ શહેરના ૯૦ ટકાથી વધુ એટીએમ અાજે પણ ખાલી હોઈ લોકો પારાવાર મુશ્કેલીમાં મૂકાયા છે.
આજે બેન્ક ખૂલ્યા પછી પણ તમામ ખાતેદારને ટોકન મળ્યા પછી રોકડ મળવાની સંભાવના ઓછી છે. નોટબંધીના ૩પમા દિવસે પણ લોકોની હાલાકી ઘટવાના બદલે વધી રહી છે. શહેરનાં ૯પ ટકા એટીએમ અત્યારે પણ કેશ વગર બંધ છે.

એક તરફ બે હજારની નવી નોટના કારણે નાની ખરીદી કરનાર વર્ગ છૂટા બાબતે મૂંઝવણ અનુભવી રહ્યાે છે તો પહેલાં દસ અને વીસની નોટોનાં બંડલ પકડાવતી બેન્કો અત્યારે ર૦૦૦ની નોટ આપી ખાતેદારોને મૂંઝવી રહી છે.

બેન્ક સૂત્રોના જણાવ્યા અનુસાર વીતેલા સપ્તાહમાં પણ બેન્કોને પૂરતી કરન્સી ફાળવાઇ નહોતી. તેથી મની ક્રાઇ‌િસસ યથાવત્ છે. ત્રણ દિવસના સમયગાળા દરમ્યાન પણ બેન્કોને કોઇ ખાસ કરન્સી ફાળવાઇ નથી. આજે પ્રતિ એક બેન્કની બ્રાંચ માટે રૂ.ર૦ થી રપ કરોડની ફાળવણીની શક્યતા છે.

પરંતુ બ્રાંચમાં ફાળવાયેલી આ રકમ કેટલી ચાલશે એ અંગે ખુદ બેન્કનો સ્ટાફ અસ્પષ્ટ છે. સહકારી બેન્કોના ખાતેદારોની હાલત સૌથી ખરાબ છે. સહકારી બેન્કોને કેશ ફાળવણી અંગેની કોઇ સ્પષ્ટતા આરબીઆઇ દ્વારા કરાઇ નથી ત્યારે પગારની શરૂઆતથી રોકડ ઉપાડ માટે રઝળપાટ કરી રહેલા ખાતેદારો અત્યારે પણ છતા નાણાએ રોકડ મેળવવા ઉધારી કરી રહ્યા છે.

તમામ બેન્ક પાસે રહેલી રોકડનો સ્ટોક સતત ઘટી રહ્યો છે. આરબીઆઇ દર અઠવાડિયે નવી નવી બેન્ક દ્વારા કરન્સી મોકલી રહી છે તેનો લાભ નેશનલાઇઝ સેકટરની ૯ બેન્કને મળે છે, પરંતુ સહકારી બેન્કને ચિલ્લર સમાન રોકડ મળવાથી સહકારી બેન્કની બહાર આજે ભીડ અને લાઇનો લાંબી થતી જાય છે. ૧૦૦ એટીએમદીઠ અત્યારે માત્ર ગણ્યાગાંઠ્યા પ એટીએમમાં જ કેશ દેખાતાં એટીએમમાં રોકડ લેવા રઝળપાટ કરતા લોકો હેરાન-પરેશાન થઇ રહ્યા છે.

છેલ્લા ૧૫ દિવસથી હું પૈસા ઉપાડવા બેન્કમાં ધક્કા ખાઉં છું. બેન્કમાં એક વાગ્યે કેશ આવે, ત્રણ વાગ્યે ખલાસ થાય અને મારે પૈસા વગર લાઇનમાં ઊભા રહ્યા છતાં પાછા જવું પડે છે. પૈસા બેન્કે જમા લીધા અને હવે ઉપાડ માટે રખડી પડ્યા છીએ.
અમૃતભાઇ વાઘેલા, ગીતા મંદિર

આજે મને ૮૦ નંબરનો ટોકન બેન્કે આપ્યો છે. હજુ બેન્કમાં કેશ આવી નથી. ત્રણ દિવસ બેન્ક બંધ હતી એટલે ઉધાર કરી આજે અમારા જ પૈસા ઉપાડવા મળશે કે કેમ? તે ખબર નથી. આજે મારો વારો આવે તેવી શક્યતા નથી. ઘર કેમ ચલાવવું?
ફરજાના સલીમ, મણિનગર

શુક્રવારે મને રોકડ ઉપાડવા ટોકન આપ્યો હતો. પૈસા ન મળ્યા. આજે ચોથા દિવસે ફરી આવ્યો છું. ટોકન આપ્યો છે. બેન્કમાં કેશ નથી. પૈસા મળશે કે કેમ? તે અંગે બેન્કવાળા કાંઇ કહેતા નથી. મારે દીકરાની સ્કૂલ ફી, મકાન ભાડું ભરવાનું છે. શું કરું?
સેમ્યુઅલ ક્રિશ્ચિયન, બહેરામપુરા

You might also like