તાજ બાદ કુતુબ ‌મિનાર અને લાલ કિલ્લા પર પણ ભીડ ઘટશે

નવી દિલ્હી, બુધવાર
દેશ-દુનિયામાંથી સતત આગ્રાના તાજમહાલને જોવા આવનાર લોકોની ભીડ અને તેનાથી તાજમહાલને થતા નુકસાનને જોતાં કેન્દ્ર સરકારે ભીડ ઘટાડવાની કવાયત શરૂ કરી દીધી છે. કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક મંત્રાલયે તાજમહાલની એન્ટ્રી ફીમાં પરિવર્તન કરવાનો નિર્ણય લીધો છે.

બીજી તરફ ભીડમાં પર્યટકોને થતી સમસ્યાઓમાંથી છુટકારો મેળવવા માટે પણ યોજના બનાવાઇ છે. આ જાણકારી કેન્દ્રીય સાંસ્કૃતિક પ્રધાન ડો.મહેશ શર્માએ આપી છે. આ યોજના આગામી ૧ એ‌પ્રિલથી લાગુુ થશે.

સરકારની યોજના છે કે જો તેનાથી ભીડ ઘટાડવામાં મદદ મળશે તો ખૂબ જ જલદી દિલ્હીના લાલ કિલ્લા અને કુતુબ‌ ‌િમનાર જેવાં સ્મારકમાં પણ તે શરૂ કરાશે.

વધી રહેલી ભીડથી તાજને પહોંચતા નુકસાનને જોતાં શર્માનું કહેવું છે કે તાજમહાલને આવનારી પેઢીઓ માટે સંભાળીને રાખવાનો છે. તમામ સંશોધનો અને સંગઠનો તરફથી તાજમહાલને થતા નુકસાનને લઇ ચેતવણી અપાઇ છે.

તેમણે એમ પણ જણાવ્યું કે નેશનલ એન્વાયરન્મેન્ટ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે થોડા દિવસ પહેલાં તાજમહાલના પ્લેટફોર્મ અને મકબરાના એરિયાને વજન સહન કરવાની ક્ષમતા અંગે એક અભ્યાસ કર્યો હતો તેમાં કહેવાયું હતું કે મકબરાની સુુંદરતા અને ઇમારતને બચાવવા માટે આ વિસ્તારમાં ભીડ ઘટાડવા તાત્કાલિક પગલાં ભરવાં જોઇએ.

ભીડ ઘટાડવા માટે સરકાર રોજ એક નિર્ધારિત સંખ્યામાં પર્યટકોની એન્ટ્રી અંગે વિચારતી હતી, પરંતુ વ્યવહારિક વાત જોતાં ફી વધારવાનો નિર્ણય કરાયો. ફી વધારવાનો હેતુ સરકાર માટે આવકનો નહીં, પરંતુ ભીડના નિયંત્રણનો છે.

સરકારે એન્ટ્રી ફીના દરમાં એટલે જ વધારો કર્યો છે. આ ટિકિટ બારકોડયુક્ત હશે, જે માત્ર ત્રણ કલાક માટે જ વે‌િલડ ગણાશે, તેનાથી વધુ સમય રોકાવવા માટે વધુ પૈસા ચૂકવવા પડશે. મકબરા સુધી પહોંચવા માટે રૂ.ર૦૦ની ટિકિટ લેવી પડશે.

You might also like