પહેલાં હયાત સીસીટીવી કેમેરાનું મેન્ટેનન્સ કરો પછી નવા કેમેરા લગાવાશે

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા સ્માર્ટ સિટી મિશન હેઠળ શહેરમાં સીસીટીવી કેમેરા લગાવાઇ રહ્યા છે. આ સીસીટીવી કેમેરાનું નેટવર્ક બિછાવવા મ્યુનિસિપલ તિજોરીમાંથી લાખો રૂપિયા ખર્ચાઇ રહ્યા છે, પરંતુ નવા પ્રોજેક્ટમાં રસ દાખવનારા મ્યુનિસિપલ અધિકારીઓ તેના મેન્ટેનન્સમાં રસ દાખવતા નથી તે બાબત સીસીટીવી કેમેરાના મામલે ફરી એક વાર પુરવાર થઇ છે.

હયાત સીસીટીવી કેમેરાના મેન્ટેનન્સ પ્રત્યે તંત્ર દ્વારા ઉપેક્ષા દાખવવામાં આવતી હોઇ ખુદ કમિશનર વિજય નેહરા નારાજ થયા છે, જેના કારણે હાલ પૂરતાં નવા સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરીને ‘રૂક જાવ’નો આદેશ આપીને કમિશનરે જૂના સીસીટીવી કેમેરાના મેન્ટેનન્સ કરવાની સંબંધિત અધિકારીઓને તાકીદ કરી છે.

નરોડા, ઠક્કરબાપાનગર વગેરે વિસ્તારમાંથી પસાર થતી ખારીકટ કેનાલ પર નાઇટ વિઝન સીસીટીવી કેમેરા લગાવાયા હતા. જોકે પાલડી ખાતેના કમાન્ડ સેન્ટર સાથે આ કેમેરા જોડાયેલા ન હોઇ સદંતર નકામા પુરવાર થયા છે. ગઇ કાલે મળેલી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ આ મામલો ઉપસ્થિત થતાં કમિશનર વિજય નેહરા સંબંધિત અધિકારીઓ પર નારાજ થયા હતા.

ખારીકટ કેનાલ પરના સીસીટીવી કેમેરા સાથે કને‌િકટ‌િવટીનો પ્રશ્ન છે તો બીઆરટીએસ રૂટ પરના કેટલાક કેમેરા ચાલતા જ નથી. ઇ-ગર્વનન્સ પ્રોજેક્ટ હેઠળ નખાયેલા આવા સીસીટીવી કેમેરા પૈકીના બંધ સીસીટીવી કેમેરા તરફ પણ તંત્ર દ્વારા બેદરકારી સેવાતી હતી. જે અંગે પણ સ્ટેન્ડિંગ કમિટીમાં સભ્યો દ્વારા ઉગ્ર રજૂઆત કરાઇ હતી.

દરમ્યાન આ અંગે મી‌િડયા સમક્ષ માહિતી આપતાં મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટે વધુમાં જણાવ્યું હતું કે કને‌િકટ‌િવટી ન ધરાવતા સીસીટીવી કેમેરા અને બંધ સીસીટીવી કેમેરાના મેન્ટેનન્સને અગ્રીમતા આપવાની કમિશનર દ્વારા સંબંધિત વિભાગને તાકીદ કરાઇ હોઇ ત્યારબાદ શહેરમાં નવા સીસીટીવી કેમેરા લગાવાશે. અત્રે ઉલ્લેખનીય છે કે કમિશનર વિજય નેહરાએ શબવાહિનીની અછતના મામલાને પણ ગંભીરતાથી લઇને નવી શબવાહિની ખરીદવાની તંત્રને સૂચના આપી છે

You might also like