મુંબઈમાં લાઠીચાર્જ બાદ રેલવે એપ્રેન્ટિસ વિદ્યાર્થીઓ ધરણાં પરઃ ટ્રેનો અટકાવાઈ

મુંબઈ: દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આજે સવારે છત્રપતિ શિવાજી ટ‌િર્મનસ અને માટુંગા રેલવે સ્ટેશન વચ્ચે દેખાવો કરી રહેલા વિદ્યાર્થીઓએ રેલવે ટ્રેક પર અડિંગો જમાવી દેતાં ટ્રેન વ્યવહાર પ્રભાવિત થયો હતો. આ વિદ્યાર્થીઓ રેલવેમાં નોકરી માટે માગણી કરી રહ્યા હતા.

તેઓ રેલવેમાં ટ્રેઈની એપ્રે‌િન્ટસ તરીકે હતા અને તેમના પર થયેલા લાઠીચાર્જ બાદ તેઓ રેલવે ટ્રેક પર ધરણાં કરવા બેસી ગયા હતા. વિદ્યાર્થીઓનાં આ ધરણાંના કારણે રેલવે પ્રવાસીઓને ભારે મુશ્કેલી પડી હતી. દેખાવકારોની એવી માગણી છે કે ૨૦ ટકા ક્વોટા દૂર કરવામાં આવે અને તેમને કાયમી નોકરી આપવામાં આવે.

અહેવાલો અનુસાર સેંકડોની સંખ્યામાં વિદ્યાર્થીઓએ રેલવેની સરકારી નોકરીઓ માટે આજે સવારે આંદોલન શરૂ કર્યું હતું. રેલવે ટ્રેક પર બેઠેલા વિદ્યાર્થીઓને હટાવવા માટે પોલીસ પહોંચી ગઈ હતી અને તેમના પર લાઠીચાર્જ કર્યો હતો. ઓફિસ ટાઈમ હોવાથી સીએસટી અને માટુંગાની લાઈન પર વધુ ટ્રાફિક હોવાથી લોકો અટવાઈ ગયા હતા. વિદ્યાર્થીઓના દેખાવોને કારણે લોકલ ટ્રેન ઉપરાંત લાંબા અંતરની ટ્રેન પણ મોડી દોડી રહી છે.

મનસેના સંદીપ દેશપાંડેએ જણાવ્યું હતું કે જ્યાં સુધી રેલવે પ્રધાન પીયૂષ ગોયેલ લે‌િખતમાં ખાતરી નહીં આપે ત્યાં સુધી તેઓ રેલવે ટ્રેક પરથી હટશે નહીં. દેખાવકારોનો આક્ષેપ છે કે પોલીસે તેમના પર લાઠીચાર્જ કર્યો છે. દેખાવ બાદ સેન્ટ્રલ લાઈનની ૩૦ ટ્રેન રદ કરવામાં આવી છે. રેલવે દ્વારા હેલ્પ લાઈન નંબર ૨૩૦૦૪૦૦૦ પણ જારી કરવામાં આવ્યો છે.

આંદોલનની અસર ખાળવા કુર્લા વિસ્તારમાં બેસ્ટની વધારાની બસ ચલાવવામાં આવી રહી છે કે જેથી પ્રવાસીઓને તકલીફ ન પડે. અહેવાલો અનુસાર પોલીસે લાઠીચાર્જ કર્યા બાદ દેખાવકાર વિદ્યાર્થીઓએ ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ રેલવેમાં એપ્રે‌િન્ટસની પરીક્ષા આપનાર છે.

You might also like