ચીફ જસ્ટિસ સામે મહાભિયોગ બાદ નેપાળ સરકાર લઘુમતીમાં

કાઠમંડુ: નેપાળના નાટકીય રાજકીય ઘટનાક્રમમાં વડા પ્રધાન પ્રચંડના નેતૃત્વવાળી ગઠબંધન સરકાર લઘુમતીમાં મુકાઈ ગઈ છે. શાસક ગઠબંધનના એક તૃતીયાંશ સાંસદો તરફથી ચીફ જસ્ટિસ સુશીલા કાર્કી પર મહાભિયોગ પ્રસ્તાવ દાખલ થયા બાદ નાયબ વડા પ્રધાન બિમલેન્દ્ર નિધિએ પોતાનું રાજીનામું આપી દીધું છે. દેશના ત્રણ પૂર્વ પોલીસ વડાઓને જેલ મોકલી દેવામાં આવ્યા છે અને મધરાતે નવા ચીફ જસ્ટિસની નિમણૂક કરવામાં આવી છે.

રવિવારે નેપાળની સંસદમાં એક મહત્ત્વના બંધારણીય સુધારા વિધેયક પર વોટિંગ થવાનું હતું. આ વિધેયકમાં મધેશીઓની માગણીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પ્રચંડ સરકારને આ વિધેયક પાસ કરવા માટે ચાર સાંસદની જરૂર હતી. સરકારે બાર વાગ્યે નાના પક્ષોનાં સમર્થન દ્વારા આ આંકડો હાંસલ કર્યો હતો, પરંતુ ત્યાર બાદ ત્રણ દિવસ સુધી મતદાન મોકૂફ રાખવામાં આવ્યું હતું.

કોંગ્રેસની સાથે કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાલ (માઓવાદી)ના ૨૪૯ સાંસદોએ નેપાળના ચીફ જસ્ટિસ સુશીલા કાર્કી વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. સુશીલા કાર્કી નેપાળના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ છે જેઓ આગામી મહિને નિવૃત્ત થનાર હતાં.
થોડા સમય પૂર્વે નેપાળની સરકારે જય બહાદુરચંદને નેપાળ પોલીસના વડા બનાવ્યા હતા, પરંતુ એક વધુ સિનિયર અધિકાર નવરાજ સિલ્વાજે આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુશીલા કાર્કીએ સરકારના નિર્ણયની ઉપેક્ષા કરીને સિલવાલની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. પરિણામે મહાભિયોગમાં સુશીલા કાર્કી પર પોતાના અધિકાર ક્ષેત્રની બહાર જઈને કામ કરવાનો અને કારોબારીના કાર્યમાં દખલ કરવાનો આરોપ મૂક્યો હતો.

નેપાળના કાયદા અનુસાર મહાભિયોગ રજૂ થતાંની સાથે જ સંબંધિત ન્યાયમૂર્તિને સસ્પેન્ડ કરવામાં આવે છે અને તેથી સુશીલા કાર્કીને તાત્કાલિક સસ્પેન્ડ કરાયાં હતાં. કાર્કી વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ સ્વીકાર કરવાના વિરોધમાં નેપાળના નાયબ મુખ્યપ્રધાન અને ગૃહપ્રધાન બિમલેન્દ્ર નિધિએ રાજીનામું આપ્યું હતું અને આ રીતે પ્રચંડ સરકાર લઘુમતીમાં મુકાઈ ગઈ હતી.

http://sambhaavnews.com/

You might also like