માત્ર 120 સેકન્ડમાં જ IPL ફાઇનલની ટિકિટ વેચાઈ જતાં ઊઠ્યાં અનેક સવાલો

હૈદરાબાદઃ IPLની ૧૨મી સિઝનની ફાઇનલ મેચની ટિકિટ માત્ર ૧૨૦ સેકન્ડ એટલે કે બે મિનિટમાં જ વેચાઈ ગઈ. આ બાબત ચાહકોની IPL પ્રત્યેની દીવાનગી દેખાડે છે, સાથે સાથે પારદર્શિતા અને જવાબદારી સામે પણ સવાલ ઊઠ્યા છે. ગત બુધવારે BCCIએ ટિકિટ વેચાણ શરૂ કર્યું, એ પણ કોઈ જ નોટિસ વિના. આશ્ચર્યની વાત એ છે કે આમ છતાં ફક્ત ૧૨૦ સેકન્ડમાં જ ટિકિટો વેચાઈ ગઈ.

આ અંગે હૈદરાબાદ ક્રિકેટ એસોસીએશનની કાર્યકારી સમિતિના એક સભ્યે સવાલો ઉઠાવતાં કહ્યું, ”ફાઇનલની બધી ટિકિટો ગણતરીની મિનિટોમાં કેવી રીતે વેચાઈ ગઈ? આ ચોંકાવનારી વાત છે. BCCIએ ટિકિટથી વંચિત રહી ગયેલા ચાહકોને જવાબ આપવો પડશે.” દિલચસ્પ વાત તો એ છે કે ચાહકોને ટિકિટ વેચાણ અંગેની ખબર પડે એ પહેલાં બધી જ ટિકિટ બુક થઈ ચૂકી હતી.

ફાઇનલ મેચ હૈદરાબાદમાં આગામી રવિવારે રમાવાની છે. આ સ્ટેડિયમની ક્ષમતા ૩૯,૦૦૦ દર્શકોની છે. મોટા ભેગા મેચ માટે ૨૫,૦૦૦થી ૩૦,૦૦૦ ટિકિટ વેચાય છે, પરંતુ આ વખતે એવું તે શું થયું કે બધી જ ટિકિટ વેચાઈ ગઈ. સૂત્રોના જણાવ્યા અનુસાર ૧૦૦૦, ૧૫૦૦, ૨૦૦૦, ૨૫૦૦, ૫૦૦૦, ૧૦,૦૦૦, ૧૫,૦૦૦ અને ૨૨,૫૦૦ રૂપિયાની ટિકિટ વેચાવાની હતી, પરંતુ ઇવેન્ટ્સ નાઉએ ૧૫૦૦, ૨૦૦૦, ૨૫૦૦ અને ૫૦૦૦ની કિંમતની ટિકિટો જ વેચી.

અન્ય ૧૨,૫૦૦, ૧૫,૦૦૦ અને ૨૨,૫૦૦ની કિંમતની ટિકિટોનું શું થયું એ અંગે કંઈ જાણવા મળ્યું નથી. આ બાબતે ચાહકો સવાલો ઉઠાવી રહ્યાં છે. ઇવેન્ટ્સ નાઉના સુધીર રેડ્ડીએ આ અંગે કહ્યું, ”હું આ અંગે કોઈ જ માહિતી આપી ના શકું. અમે એ જ ટિકિટ વેચી હતી, જે અમને મળી હતી. આ અંગે BCCI જવાબ આપી શકે, અમે નહીં.”

You might also like