ચૂંટણી બાદ મિડકેપ શેરમાં તેજી આવશેઃ ઈક્વિટી કેપિટલ માર્કેટ એક્ટિવ બનશે

લોકસભા ચૂંટણી બાદ સ્થિર સરકાર મળવાની આશા છે અને જો આમ થશે તો નવા બુલ રનની શરૂઆત થશે. મને ખાસ કરીને મિડકેપ શેરોમાં તેજી આવવાની આશા છે. એવું એમ્બિટ ગ્રૂપના સીઇઓ અશોક વાધવાએ જણાવ્યું છે. તેમના જણાવ્યા પ્રમાણે ચૂંટણીનાં પરિણામો આવ્યા બાદ રાજકીય સ્થિરતાની ખાતરી થઇ જશે અને કંપનીઓ માર્કેટમાંથી ફંડ એકત્ર કરવાની તૈયારીઓ કરવા લાગશે.

વાધવાએ ખાસ કરીને લોંગ ટર્મ પેન્શન ફંડ અને ઇન્શ્યોરન્સ કંપનીઓનો ઉલ્લેખ કર્યો છે. તેમણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે લોકો લોંગ ટર્મ ઇન્ફ્રા પ્રોજેકટસ, રોડ, પોર્ટ કે એરપોર્ટ જેવી એસેટ્સમાં લાંબાગાળા માટે મૂડીરોકાણ કરવા ઇચ્છે છે. તેમણે એવું પણ જણાવ્યું છે કે ઇન્સોલવન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (આઇબીસી) અર્થાત નાદારી કાયદો છેલ્લા પાંચ વર્ષનો સૌથી મહત્ત્વપૂર્ણ કાયદો છે. જેના કારણે લોન નહીં ચૂકવનાર પ્રમોટરોને કંપની છીનવાઇ જવાનો ડર છે.

ચૂંટણી બાદ સ્થિર સરકાર પ્રાપ્ત થવાની આશા છે અને તેથી આ સંજોગોમાં નવા બુલ રનનો આરંભ થશે. સ્ટોક, બોન્ડ અને રૂપિયો કયા લેવલે પહોંચશે તે કહેવું અત્યારે મુશ્કેલ છે, પરંતુ ચૂંટણી બાદ નવી રેલીને લઇને મને ખાતરી છે.

વાધવાએ આ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ખાસ કરીને મીડકેપ શેરોમાં તેજી આવવાની મને આશા છે. માર્કેટ કેટલીક બાબતોને લઇને સચોટ અંદાજ લગાવી લેતું હોય છે. આજે બજારનો ટ્રેન્ડ જોતાં એવું લાગે છે કે માર્કેટને સ્થિર સરકાર અને મજબૂત નેતૃત્વની આશા છે.

ચૂંટણીનાં પરિણામો બાદ રાજકીય સ્થિરતા અંગે વિશ્વાસ પ્રસ્થાપિત થયા બાદ કંપનીઓ માર્કેટમાંથી ફંડ એકત્ર કરવાની તૈયારીઓમાં લાગી જશે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય કંપનીઓએ જેટલા નાણાં એકત્ર કર્યા છે તેની તુલનાએ તેઓ આગામી બે-ત્રણ વર્ષમાં સારી એવી રકમ એકત્ર કરી લેશે.

કેટલીયે કંપનીઓ આઇપીઓ લાવવાની તૈયારીઓ કરી રહી છે અને કેટલીયે કંપનીઓએ કયુઆઇપી દ્વારા ફંડ એકત્ર કરવાની યોજના બનાવી છે અને તેથી બે-ત્રણ વર્ષમાં ઇક્વિટી કેપિટલ માર્કેટ એક્ટિવ રહેશે.

You might also like