રાજ્યમાં ભારે વરસાદની આગાહીના પગલે કેન્દ્ર સરકારે મોકલી NDRFની ટીમ

અમદાવાદ: રાજ્યમાં નૈઋત્યનું ચોમાસું સક્રિય થઇ ગયું હોઇ છેલ્લા કેટલાક દિવસથી ક્યાંક અને ક્યાંક મેઘરાજાની પધરામણી થઇ રહી છે. હમણાં ત્રણ-ચાર દિવસ વરસાદ વિરામ લઇને ભારેથી અતિભારે વરસાદનું રૂપ ધારણ કરે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઇ છે. આ આગાહીના પગલે કેન્દ્ર સરકાર દ્વારા એનડીઆરએફની ચાર ટીમને ગુજરાત માટે રવાના કરાઇ છે.

હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, દમણ, દાદરા-નગરહવેલી, સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક વિસ્તારમાં આગામી ત્રણ દિવસ બાદ ભારેથી અતિભારે વરસાદ ખાબકે તેવી આગાહી કરાઇ છે. દક્ષિણ પાકિસ્તાનથી ઉદ્ભવેલું અપર એર સર્ક્યુલેશન પાંચ કિલોમીટરનો ફેલાવો ધરાવતું હોઈ રાજ્યમાં વરસાદ પડવાની શકયતા હવામાન વિભાગ દ્વારા કરાઇ છે.

ગુજરાતમાં અને તેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જારી રહેવાથી લોકોમાં આનંદ છવાયો છે. ગઇ કાલે ઉમરગામમાં ૭ ઇંચ, વલસાડમાં ૬ ઇંચ, દમણમાં પ.પ ઇંચ અને સેલવાસમાં ૪.પ ઇંચ વરસાદ પડતાં દક્ષિણ ગુજરાતમાં મોસમનો સરેરાશ ૧ર.૭પ ઇંચ વરસાદ નોંધાઇ ચૂક્યો છે.

જ્યારે અમદાવાદમાં ગઇ કાલે મેઘરાજાએ ખમૈયાં કર્યાં હતાં. ચાલુ ચોમાસાની સિઝનમાં અમદાવાદમાં ર.પ ઇંચથી વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે.

અમદાવાદમાં ઝોનવાઇઝ વરસાદની સરેરાશ નોંધાતાં ઉત્તર ઝોનમાં સૌથી વધુ ૪ ઇંચ વરસાદ, પૂર્વ ઝોનમાં ૩.૭પ ઇંચ વરસાદ, દક્ષિણ ઝોનમાં ર.પ ઇંચ વરસાદ, મધ્ય ઝોનમાં ર ઇંચ વરસાદ, પશ્ચિમ ઝોનમાં ૧.૭પ ઇંચ વરસાદ અને નવા પશ્ચિમ ઝોનમાં સૌથી ઓછો ૧.પ ઇંચ વરસાદ મ્યુનિસિપલ તંત્રના ટાગોર હોલ સ્થિત મધ્યસ્થ કન્ટ્રોલરૂમના ચોપડે નોંધાઇ ચૂક્યો છે.

અમદાવાદમાં સિઝન દરમ્યાન સરેરાશ ૩૦ ઇંચ વરસાદ પડે છે. દરમિયાન સ્થાનિક હવામાન વિભાગની સત્તાવાર વેબસાઇટ પાંચ-છ દિવસ સર્વંરમાં ખામી સર્જાતાં ઠપ થઇ ગઇ હતી, જે માંડ માંડ આજે કામ કરતી થઇ હતી.

You might also like