બરેલીમાં ટક્કર બાદ બસ-ટ્રક આગના ગોળામાં ફેરવાઇ જતાં ર૪ પ્રવાસી ભડથું

બરેલી: ઉત્તર પ્રદેશના બરેલીમાં બડા બાયપાસ પર દિલ્હીથી ગૌડા જતી રોડવેજની બસ લખનૌ તરફથી આવી રહેલ ટ્રક સાથે મધરાતે ભયાનક રીતે ટકરાયા બાદ સમગ્ર બસ આગમાં લપેટાઇને સ્મશાન બની જતાં ર૪ પ્રવાસીઓ જીવતાં ભડથું થઇ ગયા હતા. આગના ગોળામાં ફેરવાઇ ગયેેલી બસમાં ર૪નાં મોત થયાં હતાં અને ૧પથી વધુ લોકો ગંભીર રીતે દાઝી જતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ગમખ્વાર અકસ્માત બાદ ટ્રકનો ડ્રાઇવર ફરાર થઇ ગયો હતો. કેટલાક લોકોએ બસની બારી તોડીને બહાર નીકળવાની કોશિશ કરી હતી તેઓનો આબાદ બચાવ થયો છે.

દિલ્હીથી ગૌડા જતી રોડવેજ બસ રોંગ સાઇડ પરથી આવેલ ટ્રક સાથે ટકરાઇ જતાં બસની ડીઝલ ટેન્ક ફાટી જતાં બસ આગની જ્વાળાઓમાં લપેટાઇ ગઇ હતી. બસમાં આગળના ભાગના દરવાજામાંથી બહાર નીકળવા માટે પ્રવાસીઓ દોડયા હતા, પરંતુ દરવાજાે જ આગની જ્વાળામાં લપેટાઇ જતાં પ્રવાસીઓ બહાર નીકળી શકયા નહોતા. આગની જવાળામાં ભડથું થઇને પ્રવાસીઓની લાશો બસની ગેલેરીથી લઇને દરવાજા સુધી પથરાઇ ગઇ હતી.

પ્રવાસીઓ એટલી હદે ભડથું થઇ ગયા હતા કે તેમના ચહેરા પરથી ઓળખ થવી મુશ્કેલ છે. થોડા સમય પહેલાં જીવતા જાગતા માણસો ક્ષણ વારમાં કોલસામાં ફેરવાઇ ગયા હતા. આ કરુણ દુર્ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ગાડીઓ સ્થળ પર પહોંચી ગઇ હતી અને આગ બુઝાવવાની કોશિશ કરી હતી. બસ અને ટ્રક વચ્ચેની ટક્કર એટલી ભયાનક હતી બંને વાહનો આગના ગોળામાં ફેરવાઇ ગયા હતા. એસએસપી સહિત ટોચના પોલીસ અધિકારીઓ પહોંચી ગયા હતા અને સ્થિતિની સમીક્ષા કરી હતી.

અકસ્માતના ચાર કલાક બાદ ભડથું થઇ ગયેલા મૃતદેહોને બસમાંથી બહાર કાઢી શકાયા હતા. તમામ લાશો કોલસાનાં પૂતળાંમાં ફેરવાઇ જતાં ઓળખ કરવી મુશ્કેલ છે. આઇજી એસ.કે. ભગતે જણાવ્યું હતું કે તમામ લાશોનો ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવશે અને ત્યાર બાદ જ તેમની ઓળખ શકય બનશે. બસની બારીઓના કાચ અને બસની બોડી આગમાં ઓગળીને પ્રવાસીઓ પર પડવા લાગી હતી. ચોમેરથી પ્રવાસીઓની ચીચીયારીઓ અને કરુણ આક્રંદથી હાઇવે ગૂંજી ઊઠયો હતો, પરંતુ તેમને બચાવનાર કોઇ જ નહોતું. લોકોએ જયારે સળગતી બસને જોઇ ત્યારે હડકંપ મચી ગયો હતો.

http://sambhaavnews.com/

You might also like