બજેટ બાદ શેરબજારમાં જોવા મળ્યો તોફાની ઘટાડોઃ PSU બેન્કના શેર તૂટયા

અમદાવાદ: બજેટ બાદ શેરબજારમાં પણ તોફાની ઘટાડો જોવા મળ્યો હતો. બજેટથી અત્યાર સુધીમાં સેન્સેક્સમાં ૪.૬૨ ટકાનો ઘટાડો નોંધાઇ ચૂક્યો છે. એટલું જ નહીં બેન્ક ઇન્ડેક્સ પણ ૬.૧૫ ટકા બજેટ બાદ તૂટ્યો છે. મોટા ભાગની જાહેર ક્ષેત્રની બેન્કોના શેરમાં બજેટ બાદ ઘટાડાની ચાલ નોંધાતી જોવા મળી છે. જાહેર ક્ષેત્રની અગ્રણી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના શેરમાં બજેટ બાદ ૭.૭૫ ટકાનો ઘટાડો જોવાઇ ચૂક્યો છે.

એ જ પ્રમાણે અન્ય જાહેર ક્ષેત્રની બેન્કો જેવી કે બેન્ક ઓફ ઇન્ડિયાના શેરમાં બજેટ બાદ ૭.૯૪ ટકા, સિન્ડિકેટ બેન્કના શેરમાં ૯.૪૩ ટકા, જ્યારે યુકો બેન્કના શેરમાં ૬.૧૯ ટકાનો ઘટાડો નોંધાઇ ચૂક્યો છે, જ્યારે પંજાબ નેશનલ બેન્ક, ઇન્ડિયન બેન્ક, યુનિયન બેન્ક, સેન્ટ્રલ બેન્ક, કેનેરા બેન્ક, ઓરિયન્ટલ અને વિજયા બેન્કના શેરમાં ઘટાડાની ચાલ જોવા મળી હતી.

શેરબજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે છેલ્લા કેટલાય સમયથી બેન્કિંગ સેક્ટરના શેરમાં તોફાની સુધારાની ચાલ જોવા મળી હતી. વૈશ્વિક બજાર તથા એફઆઇઆઇ સહિત સ્થાનિક ફંડો દ્વારા બેન્કિંગ શેરમાં રોકાણ વધારતાં બેન્ક શેરમાં ઉછાળો નોંધાયો હતો, પરંતુ બજેટ બાદ આ સુધારો ધોવાઇ ગયો છે. સેન્સેક્સમાં જોવા મળેલા ઘટાડા કરતા પણ તે વધુ જોવા મળી રહ્યો છે.

એસબીઆઇનો શેર તેની મહત્ત્વની ૨૯૦ રૂપિયાની સપાટી તોડી ૨૮૮.૫૦ની સપાટીએ ગઇ કાલે બંધ જોવા મળ્યો હતો. જોકે આઇડીબીઆઇ અને બેન્ક ઓફ બરોડાના શેરમાં બજેટ બાદ અનુક્રમે ૧૨ ટકા અને ૭.૪૫ ટકાનો સુધારો જોવા મળ્યો છે.

You might also like