કૃષ્ણના જન્મ બાદ શિવજીનું ગોકુળમાં થયુ આગમન અને પછી…

શ્રીકૃષ્ણના જન્મ સમયે શિવજી સમાધિમાં બેઠા હતા. જાગ્રત થયા પછી જાણ્યું કે ભગવાને અવતારલીલા ગ્રહણ કરી છે એટલે શ્રાવણ વદી દ્વાદશીના દિવસે શિવજી ગોકુળમાં આવ્યા. શ્રીમદ્ ભાગવતમાં આ પ્રસંગનું વર્ણન નથી પરંતુ અન્ય ગ્રંથોમાં છે. ભગવાન શ્રીકૃષ્ણ યોગેશ્વર છે અને શિવજી યોગીશ્વર છે.

આ દિવસે યોગીશ્વર અને યોગેશ્વરનું મિલન થયું છે. ભગવાન શિવ નિવૃત્તિ ધર્મનો આદર્શ બતાવે છે. શ્રીકૃષ્ણ પ્રવૃત્તિ ધર્મનો આદર્શ બતાવે છે. શિવજી સાધુ બનીને આવ્યા છે. સાથે શૃંગી અને ભૃંગી નામના ચેલા છે. આજ આયે સદાશિવ ગોકુલમેં. મહાત્માઓ આ લીલાનું વર્ણન અનેક રીતે કરે છે. આજ સુધી જે નિરંજન હતા તે આજે અપેક્ષાવાળા બન્યા છે.

યશોદા મૈયાનો નિયમ છે કે રોજ સાધુ બ્રાહ્મણને જમાડવા. લોકો યશોદાજીને કહે છે કે આ સાધુ તો ભગવાન શિવજી જેવો લાગે છે. ભગવાન શિવ સ્વરૂપને છુપાવે પણ તેજ! તેજ જાય ક્યાં ?

દાસીએ જઈને યશોદાને ખબર આપ્યા કે કોઈ સાધુ દ્વારે આવ્યા છે. યશોદાજીએ ફળોની ભિક્ષા મોકલી. શિવજી કહે છે મારે ભિક્ષા નથી લેવી મને તો લાલાનાં દર્શન કરવો.

યશોદાજીએ બારીમાંથી જોયું સાધુને માથે જટા છે, આંખો અર્ધી મીંચેલી છે, વ્યાઘ્રામ્બર પહેરેલું છે અને ગળામાં સર્પ છે. માતા યશોદા વિચારે છે, “લાગે છે તો સાક્ષાત શંકર જેવા! પણ મારો લાલો આને જુએ તો ડરી જાય.” યશોદા વિનવે છે, “મહારાજ! મારા લાલાને હું બહાર નહી કાઢું, તમારા ગળામાં રહેલા આ સાપથી મારો લાલો ડરી જાય.”

મહાકાલ જેમનાં એક અવાજે ત્રણે ભુવન ડોલી ઊઠે એવાં ભગવાન શિવ યોગેશ્વરના દર્શન કરવા માટે યશોદાને વિનવે છે, “મા! તારો લાલો કોઇથીય ડરે એવો નથી, તારી ચિંતા ખોટી છે. તારો કાનો કાળનોય કાળ છે. તેને કોઈનો ડર ન લાગે.” પણ માતાનું મન માનતું નથી.

શિવજી કહે છે, “તારા લાલાનાં દર્શન વિના હું અહીંથી જવાનો નથી. ખાધા પીધા વિના હું અહીં જ આસન જમાવીશ.” આમ કહીને ભોલેબાબા એક ઝાડ નીચે જઈને બેઠા અને કૃષ્ણનામનો જાપ કરવા લાગ્યા.

લાલાને ખબર પડી ગઈ કે શિવજી આવ્યા છે પરંતુ મા મને બહાર કાઢતી નથી તેથી તેણે રડવાનું શરૂ કર્યું. પરંતુ આનંદ ઉત્સાહના કોલાહલમાં કોણ તેનું સાંભળે? મા દોડતા આવ્યાં પરંતુ લાલો કેમેય કરીને શાંત થતો નથી. લાલાને રડતો જોઇને ગોપીઓ પણ ત્યાં દોડતી આવી.

એક ગોપીએ તો કહ્યું કે, “પેલો બાવો ઝાડ નીચે બેસીને કંઈક મંત્ર જપે છે. યશોદા મા ગભરાયાં. તેમણે ગુરુ શાંડિલ્યને ઝટ ઝટ બોલાવ્યા. ગુરુ બધું સમજી ગયા તેમણે યશોદાજીને સલાહ આપી, “આંગણે આવેલો સાધુ ભૂખ્યો રહે તે સારું નહી. તેને લાલાનાં દર્શન કરાવો.” યશોદાજીનું મન માન્યું નહી પણ છતાં લાલાને સુંદર કપડાં પહેરાવ્યાં, મેશનું ટપકું કર્યું અને પછી બહાર લઈ આવ્યા. શિવજીને જોતાં જ બાલકૃષ્ણ હસવા લાગ્યા. શિવજીએ બાલકૃષ્ણને પ્રણામ કર્યા.

હવે યશોદાજી પ્રસન્ન થયાં અને સાધુ મહારાજને ઘરમાં બોલાવીને પૂછવા લાગ્યા કે, મારા લાલનું ભવિષ્ય કહો.” લાલાની લીલા અલૌકિક છે. તેને શિવજીને મળવાની ઈચ્છા છે પરંતુ મા હજી તેને શિવજીના હાથમાં આપતી નથી. ભોલેનાથ કહે, “મા જ્યાં સુધી લાલો તમારી ગોદમાં હોય ત્યાં સુધી હું એના હાથની રેખા કેવી રીતે જોઈશ? માટે લાલાને લાવો મારી ગોદમાં.”

હરિ અને હરનું મિલન થયું એટલે શિવજીને સમાધિ લાગી ગઈ. ભગવાન શંકરનાં નેત્ર બંધ છે અને તેમની ગોદમાં રહેલો લાલો મંદ મંદ હસી રહ્યો છે. જાણે કહી રહ્યો હોય કે અમે તો એક જ છીએ. થોડી વાર પછી શિવજી કહે છે, “આ લાલો જગતનો રાજા થશે અને સોનાની નગરી વસાવશે. મા! લાલાને બરાબર સાચવજો.” એમ કહીને શિવજી કૈલાસ પધાર્યા.•

You might also like