કાશ્મીરી અલગતાવાદીઓની સુવિધામાં થશે ઘટાડો : રાજનાથ

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરની મુલાકાતે ગયેલ સર્વદળીય પ્રતિનિધિમંડળને મળવાની મનાઇ કરનારા અલગતાવાદીઓને હવે તેની સાઇડ ઇફેક્ટ થઇ શકે છે. કેન્દ્ર સરકારે આ ઘટના બાદ પોતાનું વલણ વધારે કડક બનાવી દીધું છે અને તે અલગતાવાદીઓને મળનારી સુવિધાઓ ઘટાડવા અંગે વિચારી રહી છે.

ગૃહમંત્રાલયનાં સુત્રોનું કહેવું છે કે અલગતાવાદી નેતાઓની વિદેશ યાત્રાઓ, સુરક્ષા અને મેડિકલ તપાસ સહિતની કેટલીક અન્ય સુવિધાઓમાં ઘટાડો કરવામાં આવી શકે છે. સુત્રોએ કહ્યું કે સરકાર તે લોકો સાથે કડકાઇથી કામ કરશે જેઓ વાતાવરણ હડોળવાનાં પ્રયાસો કરી રહ્યા છે. જેઓનાં કારણે હાલ કાશ્મીર સળગી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ અલગતાવાદીઓએ મળવાની મનાઇ કર્યા બાદ રાજનાથ સિંહે અલગતાવાદીઓની ઝાટકણી કાઢી હતી. ત્યારે તેમણે અલગતાવાદીઓનાં આ વલણ અંગે જણાવ્યું કે આ ન તો માનવતા છે ન તો કાશ્મીરીયત છે. રાજનાથે કહ્યું કે કાશ્મીરમાં શાંતિ અંગે ચર્ચા કરનારા લોકો માટે દરવાજા ખુલ્લા જ છે.

વાત જાણે એમ છે કે, રવિવારે જ્યારે સર્વદળીય પ્રતિનિધિમંડળ કાશ્મીર પહોંચ્યા હતા ત્યારે તેમાં રહેલા વિપક્ષી પાર્ટીઓનાં ચાર સાંસદ અલગતાવાદી નેતાઓને મળવા માટે પહોંચ્યા હતા. જો કે અલગતાવાદીઓએ તેમને મુલાકાત આપ્યા વગર જ પરત ફર્યા હતા. હુર્રિયતનાં કટ્ટરપંથી જુથના નેતા સૈયદ અલી શાહ ગિલાની તો પ્રતિનિધિમંડળનાં સભ્યો માટે દરવાજો પણ નહોતો ખોલ્યો.

You might also like