રાજ્યભરમાં એસટી બસ સેવા રાબેતા મુજબઃ લોકોમાં હાશકારો

(અમદાવાદ બ્યૂરો)
અમદાવાદ: અમદાવાદ શહેર સહિત રાજ્યભરની એસટી બસ સેવા બે દિવસની હડતાળ બાદ રાબેતા મુજબ શરૂ થતાં પ્રવાસીઓને હાશકારો થયો છે. છેલ્લા બે દિવસથી એસટી બસ સેવા બંધ રહેવાના કારણે ત્રાહિમામ્ પોકારી ગયેલા લોકો આજે પણ એસટી બસ સેવા શરૂ થઈ ગઈ છે એ વાત માનતા ન હોય તેમ સવારથી ડેપો ઉપર પૂછપરછનો મારો ચલાવતા જોવા મળ્યા હતા તો કેટલાક રૂબરૂ પણ પૂછપરછ કરીને બસ ખરેખર ઉપડશે કે કેમ તેની જાણકારી મેળવતા હતા.

ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસ દરમિયાન પડતર પ્રશ્નોની માગણીઓના મુદ્દે રાજ્યભરના ૪પ હજાર એસટી કર્મચારીઓ હડતાળ પર ઊતરી જતાં બસ સેવા બંધ રહી હતી, જેના કારણે એસટી બસમાં પ્રવાસ કરતા લાખો વિદ્યાર્થીઓ અને મુુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા અને તેમની મજબૂરીનો લાભ લઈને ખાનગી બસ કે અન્ય વાહનચાલકોએ બમણાથી ત્રણ ગણાં ભાડાં વસૂલ્યાં હતાં. આજે લોકોએ પ્રવાસ માટે બહાર નીકળતાં પહેલાં એસટી બસ ચાલુ છે કે કેમ તે કન્ફર્મ કરવાનું મુનાસીબ માન્યું હતું.

રાજ્યના કર્મચારીઓએ ઝૂક્યા વગર આંદોલન ચાલુ રાખતાં અંતે ગઈ કાલે એસટી કર્મચારીનાં ત્રણ યુનિયનના પ્રતિનિધિઓ, એસટી અધિકારીઓ અને મુખ્યપ્રધાને રચેલી કમિટીના સભ્યો અને વાહનવ્યવહાર પ્રધાન સાથે એક બેઠક થયા બાદ મોડી રાતે બાર વાગ્યે હડતાળ સમેટાઈ હતી.

આ વાટાઘાટોમાં નક્કી થયા મુજબ હજુ ર૮ માર્ચે ફરી એક બેઠક યોજાશે, જોકે આ બેઠક અંગે એવી ચર્ચા ઊઠી છે કે તે સમયે આચારસંહિતાનું ગ્રહણ લાગશે તો પ્રશ્નોનો ઉકેલ લાવવાનું લંબાઈ જશે. દરમિયાન અમદાવાદ ડિવિઝનના એસટી સચિવ હાર્દિકભાઈ સગરે જણાવ્યું હતું કે આજથી અમદાવાદ સહિત સમગ્ર રાજ્યની એસટી બસ સેવા ચાલુ છે. બે દિવસની હડતાળ દરમિયાન લાખો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા તો નિગમને પણ અંદાજે ૧૪ કરોડની ખોટ ભોગવવી પડી છે.

You might also like