પહાડી વિસ્તારોમાં હિમ પ્રપાત બાદ હવે મેદાની વિસ્તારોમાં કોલ્ડ એટેક

નવી દિલ્હી: હવે કાતિલ ઠંડીની શરૂઆત થઇ ચૂકી છે. પહાડી વિસ્તારોમાં ભારે હિમ વર્ષા શરૂ થઇ ગઇ છે. બીજી બાજુ મેદાની વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો આવી ગયો છે. ભારે હિમ વર્ષાને કારણે હિમાચલ પ્રદેશમાં રોહતાંગના પહાડોના સાંકડા રસ્તા પર હિમ પ્રપાત થતાં વાતાવરણમાં ખૂબસૂરત નજારો સર્જાયો છે. તો બીજી બાજુ હિમ વર્ષાને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થવા લાગ્યું છે.

જમ્મુ-કાશ્મીરના સોનમર્ગમાં મોસમની પહેલી હિમ વર્ષા થયા બાદ તાપમાનનો પારો ગગડી ગયો હતો. હિમ વર્ષાને કારણે સમગ્ર ઉત્તર ભારતનું તાપમાન પ્રભાવિત થયું છે અને ઠંડી વધી ગઇ છે. સોનમર્ગમાં ત્રણ ઇંચ હિમ વર્ષા થઇ હતી. રાજૌરીમાં પીર પંજાલના પહાડો બરફથી ઢંકાઇ ગયા હતા. જમ્મુ-શ્રીનગરમાં વરસાદ ચાલુ થઇ ગયો છે.

હિમવર્ષાને કારણે રાજૌરીના રસ્તાઓ પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. એક ટ્રક પલટી ખાઇ ગઇ હતી. મુગલ રોડ બંધ કરવો પડયો હતો. ટ્રાફિક જામમાં ફસાયેલા લોકોની હાલત કફોડી બની ગઇ હતી. કાશ્મીરના અન્ય વિસ્તારોની જેમ ગુુલમર્ગમાં પણ હિમ પ્રપાત અને સતત હિમ વર્ષાના કારણે તાપમાનનો પારો ગગડયો હતો.

હવામાન વિભાાગે આગામી દિવસો માટે હિમ પ્રપાતનું એલર્ટ જારી કર્યું હતું. આ ઉપરાંત હવામાન વિભાગે ૧૮ નવેમ્બર સુધી આગામી દિવસોમાં વ્યાપક વરસાદ અને રાજ્યના ઊંચાઇવાળા વિસ્તારોમાં હિમ વર્ષાની આગાહી કરી છે. દરમિયાન પ્રાદેશિક હવામાન કચેરીએ જણાવ્યું છે કે વરસાદ અને હિમ વર્ષાને કારણે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર ઘટશે અને ધુમ્મસ વિખેરાશે.

You might also like