ઓલ ઈંગ્લેન્ડઃ સિંધુના પરાજય બાદ સાઇના નેહવાલ, કિદામ્બી શ્રીકાંત બીજા રાઉન્ડમાં

(એજન્સી) બર્મિંગહમઃ સાઇના નેહવાલ અને કિદામ્બી શ્રીલંકા ઓલ ઈંગ્લેન્ડ બેડમિન્ટન ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડમાં પહોંચી ગયાં છે. ગઈ કાલે બર્મિંગહમ ખાતે પ્રથમ રાઉન્ડના મુકાબલામાં તેમણે સીધા સેટોમાં જીત હાંસલ કરી હતી. નેહવાલે સ્કોટલેન્ડની ક્રિસ્ટી ગિલમોરને ફક્ત ૩૫ મિનિટમાં ૨૧-૧૭, ૨૧-૧૮થી હરાવી દીધી, જ્યારે શ્રીકાંતે ૩૦ મિનિટ ચાલેલી મેચમાં ફ્રાંસના બ્રિસ લેવરડેઝને ૨૧-૧૩, ૨૧-૧૧થી પરાજય આપ્યો.

સ્કોટિશ ખેલાડી પર સાઇનાની આ સતત સાતમી જીત હતી. હવે બીજા રાઉન્ડમાં સાઇનાનો મુકાબલો ડેન્માર્કની લાઇન કેજર્સફેલ્ટ સામે થશે. શ્રીકાંતની રમત જોતાં એવું લાગી રહ્યું હતું કે તેણે BWF વર્લ્ડ ટૂર સુપર-૧૦૦ ઇવેન્ટ માટે સારી એવી તૈયારી કરી છે. તેણે લેવરડેઝ સામે ફોર્મમાં આવવા થોડો ટાઇમ જરૂર લીધો, પરંતુ ત્યાર બાદ શ્રીકાંતની રમત કંઈક અલગ જ જોવા મળી હતી.

ભૂતપૂર્વ નંબર વન ખેલાડી શ્રીકાંતને ગત વર્ષે પ્રથમ રાઉન્ડમાં આ જ ફ્રેંચ ખેલાડી સામે ગેમ પોઇન્ટ બચાવવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો, જોકે ગઈ કાલની મેચમાં શ્રીકાંતને કોઈ મુશ્કેલી પડી નહોતી. હવે બીજા રાઉન્ડમાં શ્રીકાંતનો મુકાબલો એશિયન ગોલ્ડ મેડલિસ્ટ ઇન્ડોનેશિયાના જોનાથન ક્રિસ્ટી સામે થશે.

આ પહેલાં જોકે ભારત માટે દિવસની શરૂઆત સારી નહોતી રહી. ટૂર્નામેન્ટની ફેવરિટ મનાતી અને પાંચમો ક્રમ ધરાવતી પી. વી. સિંધુને કોરિયાની સુંગ જી હ્યૂન સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. સિંધુએ આઠ મેચ પોઇન્ટ બચાવ્યા, પરંતુ આખરમાં તેણે પ્રથમ રાઉન્ડમાંથી જ બહાર થઈ જવું પડ્યું હતું. સિંધુને ૧૬-૨૧, ૨૨-૨૦, ૧૮-૨૧થી હારનો સામનો કરવો પડ્યો હતો.

મહિલાઓની ડબલ્સમાં અશ્વિની પોનપ્પા અને એન સિક્કી રેડ્ડીની જોડી એક સમયે સાતમા ક્રમની જોડીને હરાવવાની નજીક પહોંચી ગઈ હતી. ભારતીય જોડીને જાપાની જોડી સામે બીજી ગેમમાં સાત મેચ પોઇન્ટ બચાવ્યા અને અંતિમ સમયે મેચ પોઇન્ટ પણ બનાવ્યો હતો, જોકે આખરે ભારતીય જોડીને ૭૭ મિનિટ સુધી ચાલેલી મેચમાં ૨૧-૧૬, ૨૬-૨૮, ૧૬-૨૧થી હારનો સામનો કરવો પડ્યો હતો.

You might also like