સાત દેશ બાદ હવે અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ માટે પાકિસ્તાનનો વારો

વોશિંગ્ટનઃ અમેરિકામાં જે દેશોના નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતા આદેશ પર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સહી કરી દીધી છે તે આદેશમાં હવે ભવિષ્યમાં પાકિસ્તાનનુું નામ પણ ઉમેરાઇ શકે છે એવો નિર્દેશ વ્હાઇટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ રીન્સ પ્રીબસે અત્રે આપ્યો હતો અને જણાવ્યું હતું કે હવે પ્રતિબંધિત દેશોની યાદીમાં પાકિસ્તાનનું નામ પણ સામેલ કરવા પર પ્રથમ વાર વિચારણા થઇ છે.

અમેરિકાના નવા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડર અનુુસાર ઇરાન, ઇરાક, લિબિયા, સુદાન, યમન, સિરિયા અને સોમાલિયાના નાગરિકોના અમેરિકામાં પ્રવેશ પર ઓછામાં ઓછા ૯૦ દિવસ સુધી પ્રતિબંધ રહેશે. વ્હાઇટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ રીન્સ પ્રીબસે સીબીએસ ન્યૂઝને જણાવ્યું હતું કે આ એ સાત દેશો છે, જેની ઓળખ અમેરિકન કોંગ્રેસ અને ઓબામા પ્રશાસન બંનેએ એવા દેશો તરીકે કરી હતી કે જ્યાં ખતરનાક હદે ત્રાસવાદ ફૂલ્યોફાલ્યો છે.
પ્રીબસે જણાવ્યું હતું કે હવેે એ દેશો તરફ અંગુલી નિર્દેશ કરી શકો છો કે જ્યાં ત્રાસવાદની સમસ્યા છે, જેમ કે પાકિસ્તાન અને અન્ય દેશો. કદાચ હવે અમારે આ યાદીને આગળ વધારવાની જરૂર છે, જોકે હાલ તુરત તાત્કાલિક કાર્યવાહી એ કરવામાં આવશે કે આ દેશોમાંથી આવતા લોકોની સૌથી આકરી અને કડક તપાસ કરવામાં આવશે.

આમ, પ્રથમ વાર ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને જાહેરમાં સ્વીકાર કર્યો છે કે પાકિસ્તાનનો પણ આ યાદીમાં સમાવેશ થઇ શકે છે. હાલ એક્ઝિક્યુટિવ ઓર્ડર અનુસાર પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી આવતા નાગરિકોની કડક તપાસ થશે.
ડોનાલ્ડ ટ્રમ્પના પ્રતિબંધ વિરુદ્ધ ભારતીય અમેરિકન સાંસદ લડત આપશે ભારતીય મૂળની અમેરિકન કોંગ્રેસી સાંસદ પ્રમીલા જયપાલે જણાવ્યું છે કે તેઓ સાત મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોના નાગરિકોના અમેરિકામાં પ્રવેશ પર મૂકવામાં આવેલા ડોનાલ્ડ ટ્રમ્પના ગેરબંધારણીય આદેશ વિરુદ્ધ લડત આપશે. તેમણે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આવા ક્રૂર વહીવટી નિર્ણયના પગલે અમેરિકા કટોકટીમાં ધકેલાઇ ગયું છે અને દેશભરના મુસ્લિમોમાં દહેશત વ્યાપી ગઇ છે.

http://sambhaavnews.com/

You might also like