સુરતના હજીરા રોડ પર સગાઇની તારીખ નક્કી કરી પરત ફરતાં પિતા-પુત્રનાં ટ્રક નીચે આવી જતાં મોત

અમદાવાદ: સુરત-હજીરા હાઇવે પર બાજીપુરા બાયપાસ પાસે રોંગસાઇડમાં આવી રહેલી ટ્રક નીચે કચડાઇ જતાં પિતા-પુત્રનાં મોત થયાં હતાં. પ્રાપ્ત માહિતી અનુસાર આ બનાવની વિગત એવી છે કે, સચિન પારડી ખાતે બાવાગોર ટેકરા નજીક રહેતા રશિદહુસેન શેખ અને તેનો પુત્ર આમિર ‌રશિદ શેખ વ્યારા ખાતે પુત્રની સગાઇ નક્કી કરવા બાઇક પર ગયા હતાં.

સગાઇની તારીખ નક્કી કરી પિતા રશિદહુસેન અને પુત્ર આમિર બાઇક પર પરત ફરી રહ્યા હતા ત્યારે હજીરા રોડ પર બાજીપુરા બાયપાસ નજીક રોંગસાઇડમાં આવી રહેલી ટ્રકે મીરામૈયા હોટલ નજીક બાઇકને અડફેટે લઇ જોરદાર ટક્કર મારતા બંને પિતા-પુત્ર રોડ પર પટકાયા હતા. બંનેના માથાના ભાગે ગંભીર ઇજા થતાં બંનેના ઘટના સ્થળે જ મોત થયા હતા.

આ ઘટનાનાં પગલે લોકોનાં ટોળાં એકત્ર થયા હતા અને ટોળાએ ઉશ્કેરાઇ જઇ ટ્રકમાં તોડફોડ કરી હતી. જોકે ડ્રાઇવર અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો. અકસ્માત થતા રોડ પર બંને તરફનો ટ્રાફિક જામ થઇ જતા અનેક વાહનચાલકો અટવાઇ પડ્યા હતા. પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

You might also like