પેટ્રોલ-ડીઝલ બાદ હવે દિલ્હીમાં સીએનજીના ભાવ વધારાનો માર

નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલ બાદ હવે ખાસ કરીને પાટનગર નવી દિલ્હીમાં સીએનજીના ભાવ વધારાનો માર પડયો છે. રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં સોમવારે મધરાતથી સીએનજીના ભાવ પ્રતિ કિલોગ્રામ રૂ.૧.૩૬ વધારી દેવાયા છે. ઇન્દ્રપ્રસ્થ ગેસ લિ. દ્વારા જણાવાયું હતું કે રૂપિયો ગગડવાને કારણે તેમજ કુદરતી ગેસની કિંમતોમાં વધારાના કારણે કાચાે માલ મોંઘો થતાં સીએનજીમાં વધારો કરવાની ફરજ પડી છે.

દિલ્હીમાં સીએનજીમાં પ્રતિ કિલો રૂ.૧.૩૬ના વધારા સાથે હવે પ્રતિ કિલોગ્રામ ભાવ રૂ.૪૧.૯૭ થઇ થયો છે. જ્યારે નોઇડા, ગ્રેટર નોઇડા અને ગાઝિયાબાદમાં સીએનજીના ભાવમાં પ્રતિ કિલો રૂ.૧.પપનો વધારો થતાં તેની કિંમત આ વિસ્તારોમાં પ્રતિ કિલોગ્રામ રૂ.૪૮.૬૦ થઇ ગઇ છે.

આઇજીએલએ જણાવ્યું હતું કે રાત્રે ૧ર-૩૦ કલાકથી સવારે પ-૩૦ વાગ્યા સુુધી કેટલાક ચુનંદા આઉટલેટ પર સીએનજીની વેચાણ કિંમતમાં પ્રતિ કિલો રૂ.૧.પ૦ની છૂટછાટ રહેશે. આ રીતે રાત્રે ૧ર-૩૦ કલાકથી સવારે પ-૩૦ વાગ્યા સુધી દિલ્હીમાં સીએનજીની કિંમત પ્રતિ કિલો રૂ.૪૦.૪૭ જ્યારે નોઇડા, ગ્રેટર નોઇડા અને ગાઝિયાબાદમાં પ્રતિ કિલો રૂ.૪૭.૧૦ રહેશે. જોકે હજુ સુધી પીએનજીની કિંમતમાં હજુ સુધી કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.

કોંગ્રેસે દિલ્હીમાં સીએનજીમાં થયેલા ભાવ વધારાને લઇને મોદી સરકાર પર નિશાન તાકતાં એવો આક્ષેપ કર્યો હતો કે સામાન્ય લોકોની મહેનતની કમાણી બરબાદ કરવી એ ભાજપનો એક માત્ર એજન્ડા છે. પક્ષના પ્રવકતા રણજિત સૂરજેવાલાએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ‘પ્રિય મોદીજી, અબ બહોત હો ચૂકા.’

You might also like