- ભૂપત વડોદરિયા
જિંદગીમાં માણસ ઘણું બધું માફ તો કરી શકે છે, પણ ભૂલી શકતો નથી. કુદરતે આમ તો માણસનું મન એવું બનાવ્યું છે કે, થોકબંધ સ્મૃતિઓમાંથી તે અમુક સ્મૃતિઓ પસંદ કરે છે. સ્મરણશક્તિમાં આવી પસંદગીનો ‘વિવેક’ ના હોત તો ગઈકાલ માણસ માટે એટલી બોજાવાળી બની જાત કે, આજ કે આવતીકાલનું સુખ એ માણી જ ન શકત. સ્મૃતિમાં કુદરતે કંઈક મધુરતા મૂકી છે અને સ્મૃતિઓ માણસનો બોજો ના બને તેની તકેદારી રાખી છે, છતાં બીજી ભૌતિક ચીજોના સંગ્રહની જેમ કામની અને નકામી નાનીમોટી સ્મૃતિઓનો સંગ્રહ કેટલાક માણસો કર્યા કરે છે ને સ્મૃતિઓનો આ બોજ તેનું જીવવાનું અસહ્ય બનાવી દે છે. વિખ્યાત અંગ્રેજ નવલકથાકાર સમરસેટ મોમે કહ્યું છે કે, વૃદ્ધાવસ્થાનું એક સૌથી મોટું દુઃખ સ્મૃતિઓનો અસહ્ય ભાર છે. દાયકાઓની સંચિત સ્મૃતિઓ માણસ ઉપર તૂટી પડે છે ને એની પરેશાનીઓનો પાર રહેતો નથી. સ્મૃતિ વરદાન છે ને શાપ પણ છે. આપણી સ્મરણશક્તિ સતેજ હોય તે સારી વાત છે, પણ બેસુમાર સ્મૃતિઓનું સંગ્રહસ્થાન બની ના રહે તેની તકેદારી આપણે રાખવી જ પડે છે. સ્મૃતિમાં ઘણું બધું ઉષ્માભર્યું અને વિઘાતક હોય છે, સ્મૃતિમાં પુષ્કળ નકારાત્મક અને ઉષ્મા હરી લેનારું તત્ત્વ પણ હોય છે. આથી સ્મૃતિને જરા સાફસૂફીની જરૂર પડે છે.
માફ કરવાનું સહેલું નથી હોતું, પણ માફ કરી શકો તો માફ કરો. ભૂલવાની જરૂર હોય ત્યાં જરૂર ભૂલી તો જવું જ જોઈએ. બિનજરૃરી માલસામાનની જેમ મનના માળિયામાંથી બિનજરૃરી સ્મૃતિઓ પણ ફેંકી દેવી પડે છે, તો જ માણસનું મન હળવું બને છે. કેટલાક માણસો સ્મૃતિઓને પણ મિલકત બનાવી દે છે. તેમને તેની માલિકીમાં નકારાત્મક આનંદ આવે છે. આવા માણસો વિચારતા નથી કે આ ચીજોનો પોતાને શું ઉપયોગ છે ? તેને સાચવી રાખવાથી પોતાને ખરેખર શું લાભ થાય તેમ છે ? આવો સંગ્રહ પોતાને કઈ રીતે ખપનો છે ? આગળ ઉપર તેનું શું મૂલ્ય છે ? સ્મૃતિસંદુકમાં જે કંઈ નકામું હોય તેને ફેંકી દેતા પણ માણસને આવડવું જોઈએ. સ્મૃતિનો ઉપયોગ જીવનના વર્તમાન આનંદ કટોરામાં સુગંધીના ટીપાની જેમ કરો. સ્મૃતિને વર્તમાનના આનંદમાં ઝેરનાં ટીપાંની જેમ ના ભેળવો. સ્મૃતિને વર્તમાનના દુખમાં મીઠાશનું ઉમેરણ પણ બનાવી શકાય છે અને વર્તમાનના દુઃખમાં સ્મૃતિ વડે વધુ મોટો ઊભરો પણ આણી શકાય છે.
મુંબઈમાં સુખી થયેલા એક ગૃહસ્થને તેમના શહેરે સન્માન કરવા બોલાવ્યા. સન્માન લેવા જવું કે નહીં તેની એમને દ્વિધા હતી. એક અનુમાન એવું થઈ શકતું હતું કે, આ ગૃહસ્થ નમ્ર માણસ હશે અને આથી સન્માન લેવાની કંઈક આનાકાની કરતાં હશે પરંતુ પછીથી ખબર પડી કે ગૃહસ્થની આનાકાનીનું કારણ એ હતું કે, જે શહેર આજે તેમનું સન્માન કરી રહ્યું હતું તે શહેરે જ આજથી ત્રીસ વર્ષ પહેલાં તેમને અપમાનિત કર્યા હતા ! એ અપમાન હજુ ભુલાયું નહોતું. એ અપમાનનો એક કાંટો મનને અગોચર ખૂણે રહી ગયો હતો. વખત જતાં એ કાંટો મનમાં મરીને એક કણી જેવો બની ગયો હતો. આજે એમના સન્માનમાં વાજાં વાગતાં હતાં, ત્યારે પેલો ડંખ સળગવા માંડ્યો હતો. હવે આ ગૃહસ્થે વર્તમાનના સન્માનનું સુખ ભૂતકાળના અપમાનની સ્મૃતિથી કડવું ઝેર કરવાની જરૂર નહોતી. તેઓ એમ પણ વિચારી શક્યા હોત, ‘વાહ, જે શહેરે ત્રીસ વર્ષ પહેલાં અવગણના કરી હતી, અપમાન કર્યું હતું તે જ શહેર આજે પોતાનું સન્માન કરી રહ્યું છે ! શહેર પોતાની જ ભૂલનું જાણે કે પ્રાયશ્ચિત્ત કરી રહ્યું છે ! શા માટે આ સન્માન ના સ્વીકારવું ! શા માટે એથી આનંદિત ના થવું?’
શહેરના એક આગેવાને એ ગૃહસ્થને એક માર્મિક વેણ કહ્યું, ‘એક વાર જેનું અપમાન કર્યું હતું એ માણસનું જાહેર સન્માન કરતાં શહેરને ખોટી શરમ નડતી ના હોય, સન્માન કરવા જેટલું ઉદાર દિલ તેનું હોય તો તમે શા માટે મન નાનું કરો છો? તમે જેને અપમાન ગણો છો તે અપમાન આખા શહેરે રીતસર ઠરાવ કરીને જાણીબૂઝીને કર્યું નહોતું. આજે તો સમજી-વિચારીને સર્વસંમતિથી સન્માન કરે છે. અજાણપણે કરેલું અપમાન મોટું લાગે છે કે સમજીને કરેલું સન્માન મોટું ગણો છો?’
છેવટે સન્માન સ્વીકારવા એ ગૃહસ્થ તૈયાર થયા. મહાકવિ રવીદ્રનાથ ટાગોર કહે છે કે, માણસ દયાળુ છે પણ માણસો ક્રૂર છે. માણસો સમૂહમાં એવું ઘણું બધું કરે છે, જેને વ્યક્તિગત રીતે કોઈ પણ માણસ ઉચિત ગણતો ના હોય. એક માણસનું હૈયું કોમળ છે. આ માણસોના સમૂહનું હૈયું એવું કોમળ હોતું નથી. કદાચ ક્રૂરતણ બનતું હશે. માણસનું હાલતુંચાલતું ટોળું, જેને આપણે ‘સમાજ’ કહીએ છીએ તેની એક કુંભકર્ણ હસ્તી જે કંઈ કરે તેની બાબતમાં મનને બહુ આળું બનાવી દેવાની જરૃર નથી. છતાં સમાજની વચ્ચે રહીએ છીએ, એટલે સમાજની મીઠી-માઠી નજરના ફૂલકાંટાની અસર તો થાય. માણસ છીએ તો કોઈની મીઠી-તીખી નજર ગમતી કે અણગમતી લાગ્યા વગર ના જ રહે. પણ માણસે વિચારવું જોઈએ કે, અવગણના કે સન્માનનાં આ ત્રાજવાં તો આપણા ઘરમાં પણ પડ્યાં જ હોય છે. અમેરિકાના પ્રમુખપદે હેરી એમટ્રુમેન આવ્યા ત્યારે તેમણે આ ખુશખબર પહેલાં પોતાની એક વૃદ્ધ કાકીમાને આપ્યાં. અત્યંત ઘરડાં કાકીએ કહ્યું કે, ‘તારો મશ્કરો સ્વભાવ હજીયે ના ગયો ! તું અને વળી અમેરિકાનો પ્રેસિડેન્ટ! ખરી મજાક કરે છે તું તો !’ દરેક માણસને આવો અનુભવ થાય જ છે. આપણે આપણી જાતને આપણાં અરમાનોનાં પલ્લાંમાં તોળીએ છીએ. સગાંસ્નેહીને દુનિયા આપણને આપણી અંગત સિદ્ધિનાં કઠોર કાટલાંથી જોખે છે. આપણી સિદ્ધિઓ બીજાઓની નજરમાં વસે છે ત્યારે એમના ચશ્માંના નંબર બદલાય છે. તે સિદ્ધિ જોઈ, જાણી કે સ્વીકારી નહીં શકનારા માણસ પોતાના ચશ્માં જરા ઊંચાનીચા કરે ત્યારે આપણે નારાજ થવાની જરૃર નથી.
સ્મૃતિઓ વિનાનું જીવન સંભવતઃ પશુવત બની જાય છે, પણ સ્મૃતિઓના સંયમમાં વિવેક રાખ્યા વગર સ્મૃતિઓનું બોઝલ જીવન સંભવતઃ જીવતી યાતના બની જાય. એટલે સ્મૃતિનેય જીવનમાં બળ પૂરનારી શક્તિ તરીકે વાપરવી જોઈએ. સ્મૃતિને પસંદગીપૂર્વક સાચવો. સ્મૃતિઓનો એક સુંદર ઝરૃખો મનમાં ઊભો કરો, પણ તેને એક ભેદી ભૂતાવળ બનાવશો નહીં. સુખદ વર્તમાનનો ઘૂંટડો પાછો પડે એવી હેડકી તો નહીં બનવી જોઈએ.
કોઈ કહેશે કે સ્મૃતિઓને આવી રીતે અંકુશમાં રાખી શકાય ? શું સ્મૃતિઓનો ઉપયોગ મનપસંદ ગીતો સંભળાવતા ટેપરેકોર્ડરની જેમ થઈ થઇ શકે? માણસની કાબૂ બહાર સ્મૃતિઓ તો ધસી આવે છે. કોઈક અદૃષ્ટ છિદ્રમાંથી એ તો ટપકતી જ રહે છે. તમે મિષ્ટાનના થાળ પર બેઠા છો કે છત્રીબંધ પલંગમાં પોઢ્યા છો તેનો કંઈ ખ્યાલ કર્યા વિના સ્મૃતિ ચૂપચાપ તમને ચટકા ભરીને ચટકાવી દે છે. વાત ખોટી નથી, પણ બધો વખત આમ બનતું નથી હોતું. ઘણી વાર તો માણસ સ્મૃતિઓના બંધ ખાના વર્તમાનની કોઈ ને કોઈ ચાવી વડે પ્રયત્નપૂર્વક ખોલતો હોય છે અને ઘણી બધી બિનજરૃરી ચીજો બહાર કાઢી બેસતો હોય છે. કેટલીક વાર તો ખૂલવાની ના પાડતાં ખાનાને જોર કરી માણસ ખેંચે છે અને ચત્તોપાટ પડી જાય છે. યાદ કરવાની માનસિક ક્રિયા માણસ ના કરે તોપણ સ્મૃતિ જાગી ઊઠે એવું બધી જ વખતે બનતું નથી. આપોઆપ સળવળી ઊઠે તેવી સ્મૃતિઓ પ્રમાણમાં ઓછી હોય છે. કેટલીક વાર તો માણસ સૂજી ગયેલા જખ્મનાં ભીંગડાં રીતસર ઉખાડતો હોય છે અને હાથે કરીને યાતના વહોરી બેસતો હોય છે.
કવિ કલાપીએ એક પ્રસંગે ગાયું છે:
વહાલી બાલા, સહન કરવું એય છે એક લહાણું !
માણ્યું તેનું સ્મરણ કરવું એય છે એક લહાણું !
સ્મૃતિને એક લાહણું – એક લહાવો બનાવો. ભૂતકાળની ક્ષોભકારક ક્ષણોના શરમજનક વન્સમોર તરીકે તેનો ઉપયોગ ન કરો. સ્મરણ એક મિલન છે. ખરેખર જો એ મિલન જ છે તો ગમતી વ્યક્તિઓનું, ગમતા પ્રસંગોનું, ગમતી અનુભૂતિઓનું મિલન યોજો. મોડી રાતે કુલેરનો લાડુ કરી આપનારી બાનો પ્રેમ ભુલાઈ જાય અને તેણે મારેલો તમાચો યાદ રાખે તો તે સ્મૃતિનું શ્રેય શું ?
સ્મૃતિઓનું આ પોટલું તેને ઊંચકવાનું વસમું થઈ પડે છે. લાંબી મુસાફરીએ નીકળેલા માણસ પાસે નાનોમોટો ઘણો સામાન હોય છે. ઘણાંબધાં વર્ષોની મુસાફરી પછી તેને આ સામાન અકળાવવા માંડે છે. ભૂતકાળની આ સ્મૃતિ માણસનું મોટું વરદાન ને મોટો શાપ પણ છે. કેટલાક લોકો ભૂતકાળને ભૂલવા કોશિશ કરે છે. કેટલાક તેને સતત વાગોળ્યા કરે છે, પણ ભૂતકાળમાંથી ખપનો ભાગ જ લેવો, તેનો જરૃરી ટેકો પીઠ પાછળ ગોઠવવો ને આ તકિયો માથા પર ના રાખવો. હાથ કે પગ ઉપર બોજારૃપે પણ ના લાદવો તે માણસ માટે ખૂબ મહત્ત્વનું છે. ભૂતકાળ બદલી શકાતો નથી, તેમ છતાં માણસ વારંવાર ભૂતકાળની ઘટનાઓને ફરીફરી ગોઠવવા મથે છે.
માણસે પોતાના વિશે, પોતાના ભૂતકાળ વિશે, પોતાના ભવિષ્ય વિશે ઠપકા વગરની હેતાળ દૃષ્ટિ માતાની જેવી કેળવવી પડે છે. માણસે પોતાની જાતને સમગ્રરૃપે જોવા-સમજવાની કોશિશ કરવી પડે છે. ભગવાન કૃષ્ણનું જીવનચરિત્ર કેટલું બધું ભાતીગળ અને મોરપિચ્છની રંગલીલા જેવું લાગે છે! હકીકતે એકએક માણસના જીવનમાં આવા આછાપાતળા રંગો હોય છે. જર્મનીનો મહાકવિ ગેટે કેટલો બધો સમર્થ માણસ હતો ! તેની સર્જકતા, વિદ્વતા ને મુત્સદ્દીગીરી પણ બેનમૂન હતાં. કવિ ગેટેએ ઘણી વાર એવો ખ્યાલ મનમાં રમાડ્યાનું કબૂલ કર્યું છે કે, હું નક્કી કોઈ રાજકુમારીનો પુત્ર હોઇશ! મારી માતા કોઈ રાજવંશી ખૂન હશે! વાત કેટલી હાસ્યાસ્પદ લાગે છે, છતાં સાચી છે. વિખ્યાત રૃપવતી અભિનેત્રી મરલીન મનરોએ દુનિયાને એવું ઠસાવવા મથ્યા કર્યું છે કે, તે પોતાની માતાનું ગેરકાયદે સંતાન હતી જ નહીં! પોતાના શિરે, પોતાની માતાને શિરે જાતે કલંક લેવાનું કારણ ! એનું કારણ સહાનુભૂતિની અણછીપી તરસ ! કેટકેટલા માણસો પ્રેમની, વ્હાલની, સહાનુભૂતિની, કદરની ભૂખથી પ્રેરાઈને કેવા કેવા પાઠ ભજવવા તૈયાર થઈ જાય છે.
————————————.