જયપુરમાં પાકિસ્તાની શહેરનો ફિલ્મી સેટ તોડી પડાયો

જયપુર: રાજસ્થાનમાં ફિલ્મ સેટને તોડીને સસ્તી પ્રસિદ્ધિ અને પ્રચાર કરવાની એક ફેશન બની ગઇ છે. ફિલ્મ પદમાવતીનો સેટ તોડીને તેના નિર્માતા સંજય લીલા ભણશાળી સાથે મારપીટ કરવાનો મામલો હજુ શમ્યો નથી ત્યાં જયપુરમાં એક એડ ફિલ્મ ‘વેલકમ ટુ લાહોર’નો સેટ કેટલાક લોકોએ તોડી નાખ્યો હતો. કારણ કે આ સેટ પાકિસ્તાની શહેરોના આધાર પર બનાવવામાં આવ્યો હતો.

‘વેલકમ ટુ લાહોર’ ફિલ્મના દૃશ્યનું શૂટિંગ કરવા માટે જયપુરમાં સિટી પેલેેસના ત્રિપોલિયા ગેટના ચાંદની ચોકને લાહોર બનાવવામાં આવ્યું હતું. તે માટે ઠેર ઠેર ઊર્દૂમાં બેનરો અને પોસ્ટરો દીવાલો અને થાંભલાઓ પર લગાવવામાં આવ્યા હતા. પુરાના જયપુર શહેરને પાકિસ્તાની શહેર બનાવવાથી નારાજ વિરાસત બચાવો સમિતિના લોકો સ્થળ પર પહોંચી ગયા હતા અને પાકિસ્તાની શહેરનો સેટ તોડી નાખીને શૂટિંગ દરમિયાન વ્યાપક તોડફોડ કરી હતી. વિરાસત બચાવો સમિતિના કાર્યકરોએ ઊર્દૂમાં લગાવેલાં તમામ બેનરો, પોસ્ટરો ફાડી નાખ્યાં હતાં. તેમનું કહેવું હતું કે જયપુરમાં અમે કોઇ પણ સંજોગોમાં પાકિસ્તાની શહેર બનાવા દઇશું નહીં.

તમાશો જોવા એકત્ર થયેલ ભીડે સૂત્રોચ્ચાર શરૂ કરી દીધો હતો. જેની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી અને વિવાદ વકરતો જોઇને શૂટિંગ અટકાવી દીધું હતું. સદ્નસીબે ફિલ્મના યુનિટ સાથે મારામારી થતી રહી ગઇ હતી. પોલીસનું કહેવું છે કે આ શૂટિંગ માટે મંજૂરી લેવામાં આવી હતી.
http://sambhaavnews.com/

You might also like