મેળવવી હતી રોશની, મળ્યો અંધાપો

‘અમે તો ગરીબ માણસો છીએ, આ હૉસ્પિટલમાં સારવાર બાદ અમે દેખતાં થઈ જઈશું તેવા અરમાનો સાથે આવ્યાં હતાં, પરંતુ કમનસીબે રોશનીને બદલે અંધાપો મળ્યો.’ આ દર્દભર્યા શબ્દો છે રાજકોટની હૉસ્પિટલમાં મોતિયાનંુ ઓપરેશન કરાવ્યા બાદ અંધાપો મેળવનાર દર્દીઓના…

જે આંખે દુનિયા નિહાળીએ તે આંખોમાં એકાએક અંધાપો આવી જાય ત્યારે કેવી પીડા ભોગવી પડે તે જેના પર વીત્યું હોય એ જ અનુભવી શકે. આવી એક ઘટના રાજકોટની એક હૉસ્પિટલમાં બની છે. એક નહીં, બે નહીં, પરંતુ બાર બાર ગરીબ દર્દીઓને મોતિયાના ઓપરેશન બાદ અંધાપો આવી જાય એ ઘટનાએ સામાન્ય લોકોને તો હચમચાવી દીધા, પરંતુ મોડે મોડે જાગેલું અને સંવેદનહીન બનેલું તંત્ર પણ હવે આશ્વાસનરૂપી મલમથી આવા દર્દીઓને રાહત આપવા પ્રયાસો કરી રહ્યું છે.

રાજકોટના જંક્શન પ્લોટ વિસ્તારમાં ટ્રસ્ટ સંચાલિત ચાલતી સાધુ વાસવાણી હૉસ્પિટલમાં ર૧ ડિસેમ્બર, ર૦૧પના રોજ મોતિયાના ઓપરેશનનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં મોતિયાના રપ દર્દીઓનાં ઓપરેશન કરાયાં હતાં. ઓપરેશનના ૪૮ કલાકમાં જ કેટલાક દર્દીઓને આંખમાં પાણી અને રસી આવવા લાગતાં દેખાતું બંધ થઈ ગયું હતું.

આમ બે દિવસ આંખમાં અંધાપાની અસર દેખાતાં દર્દીઓ હૉસ્પિટલ પર ફરિયાદ કરવા પહોંચ્યા હતા, પરંતુ હૉસ્પિટલ તંત્રએ ઉડાઉ જવાબ આપીને તેમને અન્ય ખાનગી હૉસ્પિટલમાં ધકેલી દીધા, જ્યાં છ હજાર જેટલા રૂપિયા માગવામાં આવતા કેટલાક દર્દીઓએ ઓપરેશન કરાવ્યું ન હતું.

ર૮ ડિસેમ્બર, ર૦૧પના રોજ કેટલાક દર્દીઓ સ્થાનિક કોર્પોરેટરને સાથે લઈને સાધુ વાસવાણી હૉસ્પિટલ પર પહોંચ્યા ત્યારે આખો મામલો બહાર આવ્યો અને ૧ર દર્દીઓએ આંખોની રોશની ગુમાવી દીધાનું જણાયું. રાજુ સંધિ નામના રિક્ષાચાલક દર્દીએ તો આ ઓપરેશન માટે વ્યાજે પૈસા લીધા હતા. હવે આંખે અંધાપો આવી જતાં રિક્ષા ચલાવવાનો ધંધો પણ બંધ થઈ ગયો છે. ઘરે રોટલા ખાવાના પણ પૈસા નથી અને ત્રણ વર્ષની દત્તક લીધેલી દીકરીનું શું થશે તેની ચિંતા તેને કોરી ખાય છે.

સ્થાનિક ન્યૂઝ ચેનલોમાં આ ઘટના પ્રસારિત થતાં આરોગ્ય વિભાગ સફાળુ જાગ્યું છે. સરકાર દ્વારા ગાંધીનગરથી તપાસના આદેશો અપાયા બાદ રાજકોટ સ્થિત આરોગ્ય વિભાગના રિજિયોનલ ડેપ્યુટી ડાયરેક્ટર ડૉ. દીપાલી મહેતા તેમની ટીમ સાથે સાધુ વાસવાણી હૉસ્પિટલ પહોંચ્યાં અને તાત્કાલિક અસરથી ઓપરેશન થિયેટરને સીલ કરી દેવામાં આવ્યું છે.

આ અંગે ડૉ. દીપાલી મહેતા કહે છે, ‘ઓપરેશન થિયેટરમાં બેક્ટેરિયા અને ફંગસ હોવાનું પ્રાથમિક સ્તરે જણાયું છે. જેના ઈન્ફેક્શનથી દર્દીઓની દૃષ્ટિ જતી રહી છે.’ જોકે હવે આ અંધ બનેલા દર્દીઓને ફરી દૃષ્ટિ મળવાની શક્યતા કેટલી તે અંગે તેઓ ચોક્કસ કહી શક્યા નથી.

હાલ તો જે દર્દીઓ અંધ બન્યા તેઓ દર દરની ઠોકરો ખાઈ રહ્યાં છે. આરોગ્ય વિભાગની ટીમ આ દર્દીઓને જુદી જુદી જગ્યાએ સારવાર માટે ખસેડી રહી છે. અધિકારીઓ અને પ્રધાનો સારવારનો તમામ ખર્ચ સરકાર ઉઠાવશે તેવી હૈયાધારણા આપે છે, પરંતુ સવાલ એ છે કે, આ ગરીબ દર્દીઓની રોશની પાછી લાવી શકાશે? આ દર્દીઓને મોતિયાના ઓપરેશન કરનાર ડૉ. હેતલ બખાઈ પોતાનો લૂલો બચાવ કરતાં કહે છે, ‘હું છેલ્લાં ૧૦ વર્ષથી મોતિયાના ઓપરેશન કરું છું અને અત્યાર સુધીમાં લગભગ ૪૦ હજાર દર્દીઓનાં ઓપરેશન કર્યાં છે, પરંતુ આવું ક્યારેય બન્યું નથી. આ જે બન્યું તેમાં ઓપરેશન થિયેટર જંતુમુકત ન થઈ શક્યું હોઈ અને ઈન્ફેક્શન લાગવાથી દર્દીઓની આંખોની રોશની પર અસર થઈ છે. આમાં મારી કોઈ ભૂલ થઈ નથી.’

હૉસ્પિટલના ટ્રસ્ટી બી.બી. ગોગિયા કહે છે, ‘સાધુ વાસવાણી હૉસ્પિટલમાં મોતિયાના દર્દીઓના વિના મૂલ્યે ઓપરેશન છેલ્લાં આઠેક વર્ષથી કરવામાં આવે છે. દર માસે મોતિયાના ઓપરેશનનો કેમ્પ પણ રાખવામાં આવે છે, પરંતુ આ વખતે કોઈ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે. અમારો ઇરાદો સેવાની ભાવનાથી કામ કરવાનો હોય છે.’

દાતાઓને ભરોસે ચેરિટી હૉસ્પિટલમાં ઓપરેશન કરાવનારા મોતિયાના દર્દીઓ બેદરકારીને કારણે હાલ તો ભગવાન ભરોસે બની ગયા છે. હવે સરકાર સંવેદના દાખવીને યોગ્ય ઇલાજ કરાવે તેવું આ દર્દીઓ ઇચ્છી રહ્યાં છે.

દેવેન્દ્ર જાની

You might also like