અમદાવાદમાં ર૦ નવેમ્બર પછી ચૂંટણી સભા-સરઘસ અને રેલીનો ટેમ્પો જામશે

અમદાવાદ: આગામી તા.૯ અને ૧૪ ડિસેમ્બર એમ બે તબક્કામાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યના બે મુખ્ય રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસીભર્યો જંગ ખેલાશે. ગુજરાતની આર્થિક રાજધાની ગણાતા અમદાવાદમાં તા.ર૦ નવેમ્બર બાદ ચૂંટણીની સભા, સરઘસ અને રેલીનો ટેમ્પો જામશે.

રપ ઓકટોબરે કેન્દ્રીય ચૂંટણી કમિશનર એ.કે. જોતી દ્વારા ગુજરાતમાં બે તબક્કામાં યોજાનારી ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરાઇ હતી. જે અનુસાર આગામી તા.૯ ડિસેમ્બરે સૌરાષ્ટ્ર અને દ‌િક્ષણ ગુજરાતની ૮૯ બેઠક અને તા.૧૪ ડિસેમ્બરે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની ૯૩ બેઠક માટે ચૂંટણી યોજાશે. અમદાવાદની કુલ ૧૬ બેઠક માટે બીજા તબક્કામાં મતદાન થનાર હોઇ ગત તા.રપ ઓકટોબરથી રાજ્યભરમાં આચારસંહિતા અમલમાં મુકાઇ ગઇ હોઇ જિલ્લા કલેકટર કચેરી તંત્ર દ્વારા કલેકટર કાર્યાલય પરિસરમાં શહેરમાં સભા, સરઘસ અને રેલીના આયોજનની પરવાનગી માટે ખાસ સિંગલ વિન્ડો સેન્ટર શરૂ કરાયું છે.

જિલ્લા કલેકટર કચેરીનાં સૂત્રો વધુમાં કહે છે કે તંત્ર દ્વારા રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે સિંગલ વિન્ડો સેન્ટર શરૂ કરાયું છે. જેનાે જે તે રાજકીય પક્ષ કે ઉમેદવારે પ્રચાર માટે સભાની પરવાનગી સેવા નિયત અરજીને સભાની તારીખ, સમય, સ્ળ, સભા સ્થળની માહિતી, મુખ્ય વકતાઓ અને શ્રોતાઓની અંદાજિત સંખ્યા વગેરે માહિતી તેમજ મંડપ, બેરિકેટિંગ, ટેબલ, ખુરશી, કટઆઉટ, બેનર્સ અને વાહનના ખર્ચની વિગત આપવી પડશે. જોકે હજુ સુધી એક પણ રાજકીય પક્ષ દ્વારા ખાસ સભા, રેલીની પરવાનગી લેવાઇ નથી. તા.૧૯ નવેમ્બરથી ઉમેદવારી પત્ર ભરવાનો પ્રારંભ થનાર છે એટલે તા.ર૦ નવેમ્બરથી શહેરભરમાં ચૂંટણીનો ટેમ્પો જામશે. અત્યાર સુધીમાં જિલ્લા કલેકટર કચેરીને સભા, સરઘસ કે રેલીની કુલ ૮૯ અરજીઓ મળી છે. આ તમામ અરજીને સત્તાવાળાઓ દ્વારા જે તે અપાયેલી વિગતોના આધારે મંજૂરી અપાઇ છે.

You might also like