૧૪ નવેમ્બર પછી કોંગ્રેસ ઉમેદવારોનાં નામની પહેલી યાદી બહાર પાડશે

અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરની ૧૮ર વિધાસભાની બેઠક માટે કોંગ્રેસના સક્ષમ ઉમેદવારોની સત્તાવાર પ્રથમ યાદીની જાહેરાત સત્વરે કરાશે તેવાે પ્રદેશ હાઇકમાન્ડનો દાવો ત્રણ યુવા ચહેરાનાં સમીકરણથી પોકળ નીવડ્યો છે. કોંગ્રેસ માટે હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણીની ત્રિપૂટીની માગણી સંતોષવી ખાસ જરૂરી બની હોઇ આગામી તા.૧૪ નવેમ્બર પછી કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર થાય તેવી શક્યતા છે.

પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સાથે દિલ્હી સ્ક્રીનિંગ કમિટીએ ત્રણ દિવસ સુધી ઉમેદવારોની પસંદગી મામલે લાંબી મંત્રણા કર્યા બાદ પણ સત્તાવાર ઉમેદવારોની પ્રથમ યાદીની જાહેરાત વિલંબમાં મુકાઇ છે. જો કે દિલ્હીમાં ઉમેદવારોની પસંદગી ઉપરાંત ચૂંટણીમાં કોંગ્રેસની રણનીતિ, સ્ટાર પ્રચારકો,સંગઠનના મુદ્દા પણ ચર્ચાયા હતા. પ્રદેશ પ્રભારી અશોક ગહેલોત, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિતના ટોચના નેતાઓ દિલ્હીથી પરત ફરતા સૂનું પડેલુ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન આજથી ફરીથી ધમધમતું થશે.

દિલ્હીમાં અધૂરા રહેલા કામને આગળ ધપાવવા સ્ક્રીનિંગ કમિટીના અધ્યક્ષ બાળાસાહેબ થોરાત અને તેમની ટીમ આવતી કાલે અમદાવાદ આવશે.અમદાવાદમાં આવતી કાલે સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળશે જેમાં ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાને ગતિ અપાશે. દરમ્યાન જાણકાર સૂત્રો કહે છે ગુજરાતની ચૂંટણીમાં આ વખતે કેન્દ્રીય હાઇકમાન્ડે વ્યુહાત્મક કાર્યશૈલી અપનાવી હોઇ આવતી કાલની સ્ક્રીનિંગ કમિટીની બેઠક બાદ ફરીથી અમદાવાદમાં આ કમિટીની એક વધુ બેઠક યોજાશે.

પહેલા તબક્કાની સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની ૮૯ બેઠક માટે આગામી તા.૯ ડિસેમ્બરે ચૂંટણી યોજાશે. આ માટેનું જાહેરનામું તા.૧૪ નવેમ્બરે પ્રસિદ્ધ થશે. પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ ર૧ નવેમ્બર હોઇ દિલ્હી હાઇકમાંડ પ્રથમ તબક્કાની ચૂંટણીનાં જાહેરનામાની પ્રસિદ્ધિ બાદ જ ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પડશે.

આ પ્રથમ યાદીમાં ફક્ત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની તમામ બેઠકોને બદલે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું વર્ચસ્વ ધરાવતી મહત્વની બેઠક ઉપરાંત બીજા તબક્કાની ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની કુલ ૯૩ બેઠક માટે તા.૧૪ ડિસેમ્બરે યોજાનારી ચૂંટણીના સંદર્ભમાં આ બન્ને ઝોનની મજબૂત બેઠકનો સમાવેશ કરાશે. દિલ્હી હાઇકમાન્ડની પ્રથમ યાદીમાં મોટાભાગના ચૂંટાયેલા ધારાસભ્યોને સ્થાન અપાઇ જશે. એક અંદાજ મુજબ પ્રથમ યાદીમાં કુલ ૧૦૦ નામની સત્તાવાર જાહેરાત કરાશે.

You might also like