સીજીરોડ પર વેપારીઓ એડ્વાન્સ રકમ ભરે તે પછી AMTS બસ દોડાવાશે

અમદાવાદ: સીજીરોડ પર એએમટીએસ તંત્ર દ્વારા પાંચ મિડી બસ દોડાવવાની દિશામાં ચક્રો ગતિમાન થઈ ચૂક્યાં છે, પરંતુ આ બસ સેવા ચાલુ કરાવવા માટે સીજીરોડ વેપારી એસોસિયેશને એએમટીએસ સંસ્થામાં એડ્વાન્સ પેટે અમુક રકમ ચૂકવવાની થાય છે, જેની ચુકવણી થયા બાદ જ એએમટીએસની બસ દોડશે.

એએમટીએસ સંસ્થા દ્વારા સીજીરોડ પર પાંચ મિડી બસ દોડાવાશે, પરંતુ આ સેવા માટે સીજીરોડ વેપારી એસોસિયેશન દ્વારા સંસ્થાને અમુક રકમ એડ્વાન્સ પેટે ચૂકવવાની બાકી હોઈ તે રકમ સંસ્થાની તિજોરીમાં જમા થયા બાદ જ બસ દોડાવાશે.

આ મિડી બસમાં ૨૩ બેઠકની ક્ષમતા હોઈ જે નાગરિક પાસે પાર્કિંગની કૂપન હશે તેઓ મફત મુસાફરી કરી શકશે જ્યારે અન્ય નાગરિકો માટે પુખ્ત વયના પ્રવાસીનો રૂ.પાંચ અને બાળકનો રૂ.૩ ટિકિટદર નક્કી કરાયો છે. આ બસ સેવા સવારના ૧૦ થી રાતના ૮ વાગ્યા સુધી કાર્યરત રહેશે.

દરમિયાન તંત્ર દ્વારા સીજીરોડ પર રૂટ નં. ૪ સીજીરોડ એક્સપ્રેસ દોડાવવાની કવાયત પણ આરંભાઇ છે. નવરંગપુરાથી પરિમલ ગાર્ડન વાયા સ્વ‌િસ્તક ચાર રસ્તા, મ્યુનિ. માર્કેટ, લાલ બંગલા, પંચવટી (વળતાં) લો કોલેજ, પંચવટીથી અસલ રસ્તે નવરંગપુરા સુધી આ બસ દોડશે. આ રૂટ છ માસ માટે સંચાલનમાં રહેશે.

એએમટીએસ બસમાં રવિવાર માટે મહિલા પ્રવાસીઓની મનપસંદ ટિકિટનો દર રૂ.૧પનો છે જ્યારે બાળકોની ટિકિટનો દર રૂ.પ છે, પરંતુ રક્ષાબંધનના દિવસ પૂરતો મહિલા પ્રવાસી ટિકિટનો દર રૂ.૧૦ રખાશે જ્યારે બાળકોની ટિકિટનો દર યથાવત્ રહેશે.

ફક્ત શ્રાવણ માસ પૂરતું ધાર્મિક પ્રવાસ યોજનાની ટિકિટનો પુખ્ત વયના પ્રવાસી માટેનો દર રૂ.૯૦ના બદલે રૂ.૬૦ રખાશે જ્યારે બાળકોના રૂ.૪પના બદલે રૂ.૩૦ રખાશે.

સીજી રોડ પર વાહન પાર્કિંગના નવા દરનો આજથી અમલ
શહેરની રોનક ગણાતા સીજી. રોડ પર પ્રતિ કલાકના આધારે વાહનના રપાર્કિંગની ઊભી કરાયેલી વ્યવસ્થાને આજથી અમલમાં મુકાઈ છે. હવેથી નાગરિકોને સીજી રોડ પર ટુ વ્હીલરના પ્રતિ કલાકના રૂ. પાંચ, ઓટો રિક્ષાના પ્રતિ કલાકના રૂ. દશ અને ફોર વ્હીલરના પ્રતિ કલાકના રૂ. વીસ ચૂકવવા પડશે.

સરદાર પટેલ સર્કલથી પંચવટી સહિત સુધીના સીજી રોડ પરના પે એન્ડ પાર્કના સ્ટેન્ડમાં કુલ ૮૩૯ ટુ વ્હીલર તેમજ કુલ ૪૧૫ ફોર વ્હીલરની વ્યવસ્થા ઊભી કરાઈ હોઈ આ તમામ સ્ટેન્ડ પર આજથી નવી પ્રતિ કલાકના હિસાબના પાર્કિંગની ધમધમતાં થયાં છે.

પહેલાં ટુ વ્હીલરના પ્રતિ કલાકના રૂ. પાંચને બદલે હવે રૂ. દશ અને ફોર વ્હીલરના પ્રતિ કલાકના રૂ. પંદરના રૂ. વીસ થયા છે એટલે કે દોઢ ગણો વધારો કરાયો છે.સીજી રોડના પે એન્ડ પાર્કની જવાબદારી અત્યારે ખુદ તંત્રના એસ્ટેટ-ટીડીઓ વિભાગે સંભાળી છે.

આ અંગે વધુ માહિતી આપતા પશ્ચિમ ઝોનના એસ્ટેટ ઓફિસર રાજેન્દ્ર જાધવ કહે છે, તમામ પે એન્ડ પાર્કના સ્ટેન્ડની એક મહિના સુધી પાર્કિંગની જવાબદારી તંત્ર સંભાળશે. એક મહિના બાદ થનાર આવકના આધારે નવાં ટેન્ડર બહાર પાડીને જે તે કોન્ટ્રાક્ટરને કામગીરી સોંપાશે.

You might also like