લગ્ન બાદ પણ કારકિર્દી ઘડતી યુવતીઓ

લગ્ન બાદ યુવતીઓ માટે નોકરી અને ઘર બંનેની જવાબદારી સંભાળવી એ ખૂબ મોટો પડકાર છે. આજની યુવતી આર્થિક સ્વતંત્ર રહેવાની સાથે પોતાના તમામ શોખ પૂરા કરવા માગે છે. તેથી જ તો આજની યુવતીઓ લગ્ન બાદ પોતાની નોકરી નથી છોડતી. અનેક યુવતીઓ માતા બન્યા બાદ નોકરી છોડી દેતી હોય છે. હવે તો તેમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે. માતૃત્વ ધારણ કર્યા બાદ પણ યુવતીઓ નોકરી તેમજ કારકિર્દીને આગળ ધપાવી રહી છે.

લગ્ન બાદ યુવતીઓની જવાબદારી બમણી થઇ જાય છે. આવા સમયે ઘરબહાર જઇને નોકરી કરવી અને ઘરની તમામ જવાબદારીઓ સંભાળવી એ યુવતીઓ માટે ચેલેન્જ બની જાય છે. બંને સ્થળે સામંજસ્ય જાળવવું તે પણ ખૂબ મોટો પડકાર છે. મોટા ભાગના લોકો માને છે કે શિક્ષક કે કોઈ સરકારી નોકરી મેરિડ વુમન માટે શ્રેષ્ઠ છે. લોકોની આવી માન્યતાઓ તોડીને આજની યુવતીઓ ચેલેન્જિંગ ફિલ્ડમાં પોતાનું યોગદાન આપી રહી છે.

મીડિયા ફિલ્ડમાં કામ કરતી મિત્તલ કહે છે, “લગ્ન પહેલાંથી જ હું મીડિયામાં નોકરી કરતી હતી. લગ્નનાં ત્રણ વર્ષ બાદ સંતાન થયું. તેના થોડાક સમય બાદ ફરી મેં નોકરી શરૂ કરી દીધી. હું મારી કારકીર્દિને રોકવા નહોતી માગતી. આ ફિલ્ડ ખૂબ જ ચેલેન્જિંગ છે. શિફ્ટમાં ફેરફાર થતાં મુશ્કેલી તો પડે છે પરંતુ પરિવારનો સંપૂર્ણ સાથ છે.”

અમદાવાદમાં એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતી શ્રુતિ દરજી કહે છે, “હું અભ્યાસ કરતી હતી તે વખતે જ મારાં લગ્ન થઈ ગયાં હતાં. લગ્ન બાદ મેં અભ્યાસ પૂરો કર્યો અને નોકરી શરૂ કરી દીધી. મારાં સપનાંને પૂરાં કરવાં મારા પરિવાર તરફથી મને સંપૂર્ણ સહયોગ મળ્યો હતો. પરિવારમાં પૈસાની કોઈ ખેંચતાણ નહોતી, પરંતુ હું સ્વનિર્ભર થવા માગતી હતી.”

આજે ઉચ્ચ શિક્ષણ પામેલી યુવતીઓ માતા-પિતાને મદદ કરવા અથવા તો
પોતાનાં સપનાંને પૂરાં કરવાં માટે નોકરી-વ્યવસાયને વધુ મહત્ત્વ આપવા લાગી છે. બીજું કે દિવસે દિવસે મોંઘવારી ખૂબ જ વધી રહી છે. જો પતિનો પગાર વ્યવસ્થિત ન હોય તો બાળકોનું શિક્ષણ અને પોતાનાં સપનાં પૂરાં કરવાં અઘરાં બની જાય છે. આવા સમયે પતિ-પત્ની બંને જો નોકરી કરતાં હોય તો બાળકોને સારી સ્કૂલમાં શિક્ષણ આપવાની સાથે બે-ત્રણ વર્ષે એક સારી ટ્રિપ પણ પ્લાન કરી શકે છે.

વુમન્સ હવે પોતાના જીવનને પોતાની ઇચ્છા મુજબ ઘડી શકે તે માટે ઘણી તક પણ ઊભી થઈ છે. બ્યુટીપાર્લર, એરહોસ્ટેસ, પાઈલટ્સ, કોલ-સેન્ટર્સ, ડેસ્ક-જોબ, પત્રકારત્વ જેવા ઘણાં વ્યવસાય છે જેમાં વુમન્સ પોતાનો અમૂલ્ય ફાળો આપી રહી છે. હવે તો લશ્કર જેવા ચેલેન્જિંગ ફિલ્ડમાં પણ યુવતીઓ જવા લાગી છે.

મોટાભાગની યુવતીઓ ઇચ્છે છે કે લગ્ન બાદ તેમની આર્થિક સ્વતંત્રતા છિનવાઈ ન જાય. આર્થિક સ્વતંત્રતાને કારણે સ્ત્રીઓને બીજી ઘણા પ્રકારની સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે. નોકરી કરતી સ્ત્રી સ્વતંત્ર મિજાજની હોય, ઘરને સમય ન આપી શકે અને બાળકનો ઉછેર બરાબર ન કરી શકે તેવી પાયાવિહીન ધારણા હજુ પણ સમાજનો બહુ મોટો વર્ગ ધરાવે છે.

બાળકને ક્વોન્ટિટી ઑફ ટાઈમ કરતાં ક્વૉલિટી ઓફ ટાઈમની વધારે જરૂર હોય છે જે આજની વર્કિંગ વુમન ખૂબ સારી રીતે સમજી શકે છે. સમજદાર, શિક્ષિત અને આર્થિક રીતે સ્વાવલંબી માતા બાળકની જવાબદારી વધારે સારી રીતે લઈ શકે છે. ટૂંકમાં, વર્કિંગ વુમન ઘર-પરિવાર, બાળકો તેમજ ઓફિસની તમામ જવાબદારી ખૂબ જ વ્યવસ્થિત રીતે નિભાવી રહી છે.

પારુલ ચૌધરી

You might also like