જંગની વિદાય બાદ દિલ્હીમાં રાજકીય જંગ ખતમ થઈ જશે?

દિલ્હીના ઉપરાજ્યપાલ નજીબ જંગે કેન્દ્રીય ગૃહ સચિવ સાથેની મુલાકાત બાદ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. મોદી સરકારે અઢી વર્ષના કાર્યકાળ દરમિયાન યુપીએ દ્વારા નિમણૂક કરવામાં આવેલા મોટાભાગના રાજ્યપાલોને બદલી નાખ્યા હતા પરંતુ દિલ્હીમાં જંગ તેમના પદ પર ચાલુ રહ્યા હતા અને તેમનો કેજરીવાલ સામેનો જંગ પણ ચાલુ રહ્યો હતો. એલજી ઓફિસમાંથી જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે જંગ ફરી તેમના શૈક્ષણિક ક્ષેત્રમાં જશે. જ્યારે આમ આદમી પાર્ટીનું માનવું છે કે કેન્દ્ર સરકાર તરફથી જંગને ઈનામ મળશે. આ સંવાદો પરથી જાહેર થાય છે કે જંગના રાજીનામા બાદ પણ દિલ્હીમાં રાજકીય વિવાદ પૂરો નહિ થાય. પરંતુ એક એવી પણ ચર્ચા ચાલે છે કે નજીબ જંગના રાજીનામાંથી દિલ્હીમાં હવે રાજકીય જંગ ખતમ થઈ જશે ખરો? તેવા સવાલ થઈ રહ્યા છે.

ભાજપના સાંસદ સુબ્રહ્મણ્યમ સ્વામી અને દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલ વિરોધી હોવા છતાં નજીબ જંગના વિરોધમાં એક થઈ રહ્યા હતા. ડો. સ્વામીના જણાવ્યા અનુસાર જંગ કોંગ્રેસી નેતાના એક ઉચ્ચ અને હાઈકમાન્ડના નજીકના નેતાના ઈશારે કામ કરે છે. તો બીજી તરફ કેજરીવાલ પણ જંગ વિરુદ્ધ દેશની મોટી કંપનીની કઠપૂતળી હોવા સહિત અનેક આક્ષેપ કરી ચૂક્યા છે. જેમાં વીજ કંપનીને ફાયદો કરાવવાની વાત સામેલ છે.

દિલ્હી કેન્દ્ર શાસિત રાજ્ય છે. જ્યાં એલજી કેન્દ્ર સરકારના પ્રતિનિધિ તરીકે કામ કરે છે. દિલ્હીમાં વિશા‍ળ બહુમતીથી ચૂંટાયેલી કેજરીવાલ સરકાર અન્ય રાજ્યોના મુખ્યપ્રધાનની જેમ અધિકાર મેળવવા માગે છે. જેના કારણે અનેક મુદ્દા પર તેમને એલજી અને કેન્દ્ર સરકાર સાથે વિવાદ પણ થયો હતો. છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટની બેન્ચે એમ જણાવ્યું હતું કે દિલ્હી સરકારને નિર્ણય લેવાના સીમિત અધિકાર મળવા જોઈએ. હવે આ મામલે સુપ્રીમમાં આગામી ૧૮ જાન્યુઆરીએ સુનાવણી થવાની છે. જેના ચુકાદાથી દિલ્હીમાં રાજકીય સમીકરણ બદલાઈ શકે છે.

કાયદા પંચે તેના અહેવાલમાં રાજ્યપાલના પદની આવશ્યકતા સામે સવાલ ઉઠાવ્યા હતા. રાજ્યપાલોની નિમણૂકમાં રાજ્ય સરકારની સહમતી નહિ લેવાના મામલે હંમેશાં રાજકીય વિવાદ થાય છે. દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલ તેમના ચૂંટણી વાયદા પૂરા કરવામાં નિષ્ફળ જઈ રહ્યા છે અને આ માટે તેઓ કેન્દ્ર અને એલજીને જવાબદાર ગણાવે છે. ત્યારે સવાલ એ થાય છે કે હવે જંગના રાજીનામા બાદ નવા આવનારા એલજી સાથે પણ કેજરીવાલને આવો વિવાદ ચાલુ રહેશે? નવા એલજીની નિમણૂક ઝડપથી થઈ જશે પણ દિલ્હીના ભાગ્યનો ફેંસલો નવા વર્ષમાં સુપ્રીમ કોર્ટમાં થનારી સુનાવણી બાદ થશે.

આમ તો નજીબ જંગનો કાર્યકાળ જુલાઈ ૨૦૧૮માં પૂરો થવાનો હતો. પંરતુ તેમણે ૧૯ મહિના વહેલું રાજીનામું આપી દીધુ‌ં. નજીબની નિમણૂક મનમોહન સરકારે જુલાઈ ૨૦૧૩માં કરી હતી. કોંગ્રેસે ભાજપ અને આપ વચ્ચેની ખાનગી ડીલના કારણે તેમણે રાજીનામું આપ્યું હોવાની વાત કરી છે. જોકે બીજી તરફ જંગે તેમના અંગત કારણોસર રાજીનામું આપ્યુ હોવાનું પણ બહાર આવી રહ્યું છે. પરંતુ જેવી વાત થઈ રહી છે તેવું નથી. કારણ કે જંગના રાજીનામાની પટકથા તો બે માસ પહેલા નકકી થઈ ગઈ હતી. તેમાં આમ આદમી પાર્ટીની ભૂમિકા મહત્વની રહી હોવાનું માનવામાં આવે છે. એક નિયુક્તના મુદા પર જંગ અને કેજરીવાલ વચ્ચેનો વિવાદ દિલ્હી હાઈકોર્ટ સુધી પહોંચી ગયો હતો. કોર્ટે ઓગસ્ટમાં કોમેન્ટ આપી હતી કે ઉપરાજ્યપાલને કેન્દ્ર સરકારના કર્મચારી તરીકે ગણાવ્યા હતા. કેન્દ્ર સરકાર અને ઉપરાજ્યપાલ વચ્ચે દિલ્હી સરકારે માલિક અને નોકર જેવા સંબંધ ગણાવ્યા હતા. જોકે આ મામલે હજુ નિર્ણય આવ્યો નથી.

home

You might also like