જુલાઈ બાદ કાપડ બજારમાં રોકડથી વ્યવહાર કરવા અપીલ

અમદાવાદ: ૧ જુલાઇથી જીએસટી અમલમાં આવી રહ્યો છે. તે પૂર્વે ગણતરીના દિવસો બાકી છે. કાપડ બજારના વેપારીઓ પર અગાઉ વેટ ન હતો, પરંતુ જીએસટીમાં તેમને સામેલ કરીને પાંચ ટકાનો ટેક્સ નાખ્યો છે. તેથી શહેર સહિત દેશભરના કાપડ બજારના વેપારીઓ ભારે વિરોધ કરી રહ્યા છે. ટેક્સ ક્રેડિટથી લઇને અન્ય કેટલાક નિયમો છે, જેના કારણે કાપડ બજારના વેપારીઓમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.

આવા સંજોગોમાં કાપડ બજારના અગ્રણીઓ દ્વારા નાણાકીય મુશ્કેલી ઊભી ન થાય તથા પેમેન્ટની ચેઇન અટવાઇ ન જાય તે માટે વેપારીઓને રોકડેથી જ વ્યવહાર કરવા અપીલ કરવામાં આવી છે.નોંધનીય છે કે કાપડ બજારમાં ત્રણથી છ મહિનાની ક્રેડિટ ઉપર મોટા ભાગના વેપારીઓ માલ આપે છે અને વર્ષોથી આ સિસ્ટમ ગોઠવાયેલી છે. વેપારી એસોસિયેશનના અગ્રણીઓના કહેવા પ્રમાણે જે વેપારી અનરજિસ્ટર્ડ છે તેઓને માલનું વેચાણ કરવામાં આવે તો વેચાણ કરનારને ટેક્સ ક્રેડિટ લેવામાં મુશ્કેલી અનુભવવી પડી શકે છે. એટલું જ નહીં કાપડ બજારમાં મોટા ભાગના વેપારી રજિસ્ટ્રેશનથી દૂર રહેવાનું મુનાસીબ માની રહ્યા છે.

તેઓના કહેવા પ્રમાણે રિટર્નમાં જાણે અજાણે ભૂલ થાય તો પણ આર્થિક નુકસાન અને દંડ ભરવો પડી શકે છે. આ તમામ મુશ્કેલીઓ સામે રાહત મેળવવા હાલ રોકડેથી જ વ્યવહાર કરવા અપીલ કરાઇ છે. આ અંગે મસ્કતી કાપડ માર્કેટ મહાજનના અગ્રણી ગૌરાંગ ભગતના જણાવ્યા પ્રમાણે આવનારા દિવસોમાં વેપારીઓને પેમેન્ટની ચેઇન તૂટી ન જાય અને આર્થિક મુશ્કેલી ઊભી ન થાય તે માટે જીએસટી અમલમાં આવ્યા બાદ રોકડેથી જ વ્યવહાર કરવાની અપીલ કરાઇ છે.
http://sambhaavnews.com/

You might also like