ભારત બંધ : બિહારના આરામાં ફાયરિંગ, ગયામાં લાઠીચાર્જ, UPમાં પથ્થરમારો

ભારત બંધના એલાનની અસર બિહારમાં સૌથી વધુ જોવા મળી છે. બિહારના આરામાં બે ગ્રુપ વચ્ચે ઘર્ષણ થયું છે. વિરોધીઓ અને સમર્થકો વચ્ચે પથ્થરમારો પણ થયો હતો. આ પથ્થરમારામાં 7 લોકોને ઇજા પહોંચી છે. જ્યારે પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવવા લાઠીચાર્જ કર્યો હતો. પોલીસે પ્રદર્શનકારીઓની અટકાયત કરીને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.

સરકારી નોકરીઓ અને શિક્ષણ ક્ષેત્રે જાતિ આધારિત અપાતી અનામતના વિરોધમાં અનેક સંગઠનો દ્વારા આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક એડવાઈઝરી જાહેર કરીને તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કોઈ પણ પ્રકારની હિંસક ઘટનાઓ અને અન્ય ગતિવિધિઓ અટકાવવા સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવાના આદેશ આપ્યા છે.

ગૃહમંત્રાલયે સાવચેતીના પગલારૂપે એડવાઈઝરી બહાર પાડી અને કહ્યું છે કે, જો જરૂર પડે તો પેટ્રોલિંગ વધારી દેવામાં આવે, પરંતુ કાયદો અને વ્યવસ્થા બની રહેલી જોઈએ. કોઈ પણ વિસ્તારમાં કોઈ પણ પ્રકારની હિંસા અને જાન-માલને નુંકશાન ન થવું જોઈએ.

એડવાઈઝરીમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, કોઈ પણ વિસ્તારમાં થનારી હિંસા માટે જિલ્લાઅધિકારી અને પોલીસ કમિશ્નર વ્યક્તિગત રૂપે જવાબદાર ઠરશે.

ગૃહમંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે, મંત્રાલયે એક એડવાઈઝરી જાહેર કરી છે. જમાં કેટલાક ગૃપ દ્વારા સોશિયલ મીડિયામાં 10 એપ્રિલે ભારત બંધને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલાં ભરવામાં આવે.

આ ઉપરાંત તમામ રાજ્યોને પણ કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટના ઘટતી રોકવા માટે સુરક્ષા વધારી દેવા અને યોગ્ય વ્યવસ્થા ઉભી કરવા જણાવવામાં આવ્યું છે.

આ એડવાઇઝરીને લઇને સોમવારથી જ રાજસ્થાન, એમપી અને પશ્ચિમી ઉત્તર પ્રદેશના તમામ વિસ્તારમાં સુરક્ષાવ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. 2 એપ્રિલના રોજ ભારત બંધમાં થયેલી હિંસાને ધ્યાનમાં રાખીને મધ્યપ્રદેશમાં પ્રશાસનને વિશેષ સતર્કતા રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.

ભિંડ અને મુરૈનામાં સોમવાર રાતથી જ કર્ફયુ લગાવી દેવામાં આવ્યો છે જ્યારે ગ્વાલિયરમાં દિવસભર 144 ધારા અને રાતે કર્ફયુ રહેવાની જાહેરાત કરવામાં આવી છે.

You might also like