જીએસટી બાદ ટ્રાન્સપોર્ટરોના કામકાજની ગતિ ધીમી પડી

અમદાવાદ: ૧ જુલાઇથી જીએસટી લાગુ થયાને ત્રણ સપ્તાહથી વધુનો સમય થઇ ગયો છે, જોકે માલ પરિવહન કરતા ટ્રાન્સપોર્ટરોના સમયમાં જીએસટી બાદ ઘટાડો થયો છે, પરંતુ તેની સાથેસાથે કારોબારમાં પણ ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે. ઇન્ડિયન ફાઉન્ડેશન ઓફ ટ્રાન્સપોર્ટ રિસર્ચ એન્ડ ટ્રેનિંગના એક રિપોર્ટ અનુસાર જીએસટી લાગુ થયા બાદ પ્રથમ પખવાડિયામાં કુલ પરિવહનમાં સામેલ ટ્રકોની ૪૦ ટકા ટ્રકોનું પરિવહન બંધ હતું. ટ્રાન્સપોર્ટરોના જણાવ્યા પ્રમાણે બુકિંગના કામકાજમાં ઘટાડો નોંધાતાં પરિવહનનું કામકાજ પણ ઘટ્યું હતું.

એગ્રિકલ્ચર કોમોડિટી, ફળો, શાકભાજીના પરિવહનમાં ૨૫થી ૩૦ ટકાનો ઘટાડો નોંધાયો હતો. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે આંતર રાજ્ય ચેકપોસ્ટ બંધ થઇ જતાં પરિવહન ઝડપી બન્યું હતું, પરંતુ જે સ્થળે માલ પહોંચાડ્યો હોય ત્યાંથી પરત મૂળ સ્થળ પર આવવા માટે કાર્ગોનો માલ નહીં મળવાથી બેથી ચાર દિવસ સુધી રાહ જોવી પડતી હતી.

સડક પરિવહન વિભાગના એક રિપોર્ટ અનુસાર જીએસટીના કારણે લોજિસ્ટિક સેક્ટર પર અસર પડી છે. ચેકપોસ્ટ નાબૂદ થવાના કારણે જીએસટી લાગુ થયા બાદ ટ્રાન્સપોર્ટરો ૩૦ ટકા વધુ લાંબું અંતર ખેડી શકે છે.

જીએસટી લાગુ થયા બાદ સરકારની વિસંગતતાભરી નીતિના પગલે શરૂઆતના સમયગાળામાં ટ્રાન્સપોર્ટરોના કામકાજમાં ૩૦થી ૪૦ ટકાનો ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે. આ વાતને સમર્થન આપતા ઓલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના વેસ્ટર્ન રિજિયનના અગ્રણી મૂકેશ દવેના જણાવ્યા પ્રમાણે જીએસટીના પગલે શરૂઆતના સમયગાળામાં કાપડ ઉદ્યોગ સહિત વિવિધ સેક્ટરના અસમંજસ પરિસ્થિતિના પગલે કામકાજ બંધ હતાં અને તેના પગલે જીએસટી લાગુ થયાના શરૂઆતના સમયગાળામાં ૩૦થી ૪૦ ટકા કામકાજ ઘટ્યું હતું.
http://sambhaavnews.com/

You might also like