જીએસટી બાદ સોનું ખરીદવું મોંઘું પડી શકે

અમદાવાદ: જીએસટી હેઠળ સોનાને ૧૨ ટકા ટેક્સ સ્લેબમાં રાખવાની અરવિંદ સુબ્રમણ્યમની ભલામણ સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં જીએસટીની અમલવારી બાદ સોનાની ખરીદી મોંઘી પડી શકે છે.  ઉલ્લેખનીય છે કે સોનાની આયાત ડ્યૂટી ૧૦ ટકા જેટલી છે અને તેના પર ૧૨ ટકા જીએસટી લાદવામાં આવે તો ૨૨ ટકા જેટલું ટેક્સનું ભારણ થઇ જશે, જેના કારણે ફિઝિકલી સોનાની ખરીદી મોંઘી થઇ શકે છે.

ઉલ્લેખનીય છે કે દુનિયામાં બીજા ક્રમની સોનાની માગ ભારતમાં જોવા મળી રહી છે. હાલ દેશનાં વિવિધ રાજ્યોમાં એક ટકો વેટ અને એક ટકો એક્સાઇઝ ડ્યૂટી સોના પર લાદવામાં આવી રહી છે, જેના કારણે આગામી દિવસોમાં સોનું મોંઘું થઇ શકે છે. આગામી ૧૮-૧૯ એપ્રિલે શ્રીનગર ખાતે જીએસટી કાઉન્સિલની મળનાર બેઠકમાં કોમોડિટીના દરને અંતિમ રૂપ અપાશે.

નોંધનીય છે કે સમગ્ર દેશમાં સોના પર મહારાષ્ટ્ર અને કેરળ સિવાય એક ટકો વેટ છે. મહારાષ્ટ્રમાં ૧.૨ ટકા, જ્યારે કેરળમાં પાંચ ટકા વેટ છે. જો કાઉન્સિલ સોના પર ઊંચા દર રાખવામાં આવે તો અસંગઠિત ક્ષેત્રે જ્વેલરીનો કારોબાર સ્થળાંતરિત થવાનો ભય સેવાઇ રહ્યો છે.

આ અંગે અમદાવાદ જ્વેલર્સ એસોસિયેશનના સેક્રેટરી જિગરભાઇ સોનીના જણાવ્યા પ્રમાણે વિવિધ કોમોડિટી સહિત સોના પર કેટલો જીએસટી લાદવામાં આવશે તે અંગે અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. હાલ જે મોટા ભાગના દેશમાં વેટનો દર છે તેના કરતાં જો ઊંચો જીએસટી લદાય તો કારોબારીઓ માટે કારોબાર કરવો મુશ્કેલરૂપ સાબિત થઇ શકે છે.
http://sambhaavnews.com/

You might also like