મેચ પૂરી થયા બાદ તરત પાર્થિવ અમદાવાદ આવી પહોંચે છે!

આરસીબીનો ગુજ્જુ વિકેટકીપર-બેટ્સમેન હાલ પોતાના અંગત જીવનમાં મોટી ઊથલ-પાથલ વચ્ચે ટીમ માટે વધુ સારું રમવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. પાર્થિવ IPLમાં પોતાની ટીમની જીત અને હોસ્પિટલમાં જિંદગી અને મોત સામે જંગ લડી રહેલા પિતા અજય પટેલ માટે ચિંતાગ્રસ્ત છે. પાર્થિવના પિતા અમદાવાદની હોસ્પિટલમાં બ્રેઈન હેમરેજ સામે ઝઝૂમી રહ્યા છે. આથી પાર્થિવ મેચ પૂરી થતાં જ અમદાવાદ ચાલ્યો જાય છે અને મેચ શરૂ થતાં પહેલાં ટીમ સાથે જોડાઈ જાય છે. ટીમ તરફથી પાર્થિવને આ અંગેની ખાસ મંજૂરી મળી છે.

ગત ફેબ્રુઆરીની શરૂઆતમાં પાર્થિવ પટેલે ટ્વિટર પર પિતાના સ્વાસ્થ્ય અંગે લખ્યું હતું, ”કૃપા કરીને મારા પિતા માટે પ્રાર્થના કરો. તેઓ બ્રેઈન હેમરેજનો સામનો કરી રહ્યા છે.” બે મહિનાથી વધારે સમય થઈ ચૂક્યો છે, પરંતુ તેના પિતાનું સ્વાસ્થ્ય સુધર્યું નથી. તેઓ અત્યારે ICUમાં છે અને કોમામાં અંદર-બહાર થતા રહે છે.

પાર્થિવ પટેલે જણાવ્યું,, ”જ્યારે હું રમતો હોઉં છું ત્યારે મારા મગજમાં કંઇ પણ ચાલતું હોતું નથી, પરંતુ મેચ પૂર્ણ થયા બાદ મારું દિલ ઘરે પહોંચી જાય છે. દિવસની શરૂઆત પિતાની તબિયત પૂછવાથી થાય છે. ડૉક્ટર્સ સાથે સંપર્કમાં રહેતા રહેતા કેટલીક વાર મારે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવા પડે છે. મારી પત્ની અને માતા ત્યાં છે, પરંતુ જ્યારે કોઈ મહત્ત્વપૂર્ણ લેવાની વાત આવે છે ત્યારે મારી સ્વીકૃતિ માગવામાં આવે છે.”

પાર્થિવે જણાવ્યું, “એક દિવસ મારા પિતા અચાનક પડી ગયા હતા. ત્યારથી સતત ૧૨ દિવસ હું તેમની સાથે ICUમાં હતો. હું ઘેર પણ નહોતો જઈ શક્યો. ત્યારે મુશ્તાકઅલી ટૂર્નામેન્ટ ચાલી રહી હતી અને હું ઘણી મેચ રમી શક્યો નહોતો.” મુસ્તાકઅલી ટ્રોફી બાદ પાર્થિવે IPLની આ સિઝનમાં નહીં રમવા અંગે પણ વિચાર્યું હતું, પરંતુ તેના પરિવારે કહ્યું કે પિતા અજય પટેલ હંમેશાં ઇચ્છતા હતા કે પાર્થિવ ઘેર બેસી ના રહે અને મેદાનમાં ઊતરે. આથી જ તેણે આઇપીએલમાં રમવાનો નિર્ણય કર્યો હતો. પાર્થિવના આ મુશ્કેલ સમયમાં આરસીબીનાે બોલિંગ આશિષ નેહરા મદદ કરી રહ્યો છે.

You might also like